IND vs PAK: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનને લઈ મોટુ અપડેટ, રોહિત શર્મા સાથે આ ખેલાડી કરશે ઓપનિંગ
2023ના એશિયા કપમાં આવતીકાલે એટલે કે શનિવારે 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને થશે.
Team India Playing 11 Against Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શરૂ થવામાં હવે 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે. 2023ના એશિયા કપમાં આવતીકાલે એટલે કે શનિવારે 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને થશે. આ શાનદાર મેચ પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાન વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
આ ખેલાડી રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, શુભમન ગિલ પાકિસ્તાન સામેની મેચમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરશે. જ્યારે વિરાટ કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરશે. વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન મિડલ ઓર્ડરમાં જ રમશે. એવું પણ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે આ પહેલા ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કિંગ કોહલી 2023 એશિયા કપમાં ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે. ઇશાન કિશન ઇનિંગની શરૂઆત કરી શકે છે. જોકે હવે મેચ પહેલા જ ભારતની પ્લેઈંગ ઈલેવન અને બેટિંગ ઓર્ડર લગભગ સ્પષ્ટ થઈ ગયો છે.
સંજુ સેમસનને તક નહીં મળે
સંજુ સેમસન 2023 એશિયા કપ માટે સ્ટેન્ડબાય પ્લેયર તરીકે ટીમ ઈન્ડિયા સાથે છે. જોકે, તે પાકિસ્તાન સામેની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહીં હોય. કેએલ રાહુલ પ્રથમ બે મેચમાંથી બહાર છે. આ કારણે ઈશાન કિશન પ્રથમ બે મેચમાં વિકેટ કીપિંગ કરશે અને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે. રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે સંજુ સેમસનને તક નહીં મળે.
આ 4 ખેલાડીઓ પ્રથમ વખત પાકિસ્તાન સામે રમશે
ટીમ ઈન્ડિયાના ઘણા એવા ક્રિકેટર છે, જેઓ પહેલીવાર પાકિસ્તાન સામે વન-ડે મેચ રમશે. જેમાં ઓપનર શુભમન ગિલ, મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યર, વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સામેલ છે. તે તમામને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે તે નિશ્વિત છે. જો કે તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે તો તેઓ પણ પહેલીવાર પાકિસ્તાન સામે રમશે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, વિરાટ કોહલી, રોહિત શર્મા, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.