IND vs SA 2nd T20: ભારતે દક્ષિણ આફ્રિકાને આપ્યો 149 રનનો ટાર્ગેટ, કાર્તિકનું શાનદાર પ્રદર્શન
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કટકમાં T20 સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 148 રન બનાવ્યા હતા.
India vs South Africa Barabati Stadium, Cuttack: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કટકમાં T20 સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 148 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર અને ઈશાન કિશને ટીમ ઈન્ડિયા માટે મહત્વની ઈનિંગ્સ રમી હતી. જ્યારે છેલ્લે બેટિંગ કરવા આવેલ દિનેશ કાર્તિકે શાનદાર બેટિંગ કરતા 30 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા માટે કાગિસો રબાડાએ ખતરનાક બોલિંગ કરી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ભારતની પ્રથમ વિકેટ પહેલી જ ઓવરમાં પડી હતી. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ પાંચમા બોલ પર ઋતુરાજ ગાયકવાડને પેવેલિયન મોકલી દીધો હતો. તે માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ઓપનર ઇશાન કિશને મહત્વની ઇનિંગ રમી હતી. તેણે 21 બોલમાં 3 સિક્સર અને 2 ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે 35 બોલમાં 40 રન બનાવ્યા હતા. અય્યરે બે ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી.
કેપ્ટન ઋષભ પંત કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ વધુ રન નહોતો બનાવી શક્યો અને 12 બોલનો સામનો કરીને એક ફોરની મદદથી 9 રન બનાવ્યા હતા. એ જ રીતે અક્ષર પટેલ માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 11 બોલનો સામનો કરતાં ચોગ્ગો ફટકાર્યો હતો. અંતમાં દિનેશ કાર્તિકે જોરદાર બેટિંગ કરી હતી. તેણે 21 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા. કાર્તિકની ઇનિંગમાં બે ચોગ્ગા અને બે સિક્સરનો સમાવેશ થાય છે. હર્ષલ પટેલે 9 બોલમાં અણનમ 12 રન બનાવ્યા હતા. તેણે બે ચોગ્ગા ફટકાર્યા. આ રીતે ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકા માટે કાગિસો રબાડાએ ઘાતક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 15 રન આપ્યા અને એક વિકેટ પણ લીધી હતી. જ્યારે વેન પાર્નેલે 4 ઓવરમાં 23 રન આપીને એક વિકેટ લીધી હતી. કેશવ મહારાજે 2 ઓવરમાં 12 રન આપીને એક વિકેટ લીધી હતી. એનરિક નોર્ટજેએ 4 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી હતી. પ્રિટોરિયસે 4 ઓવરમાં 40 રન આપીને એક વિકેટ લીધી હતી.