(Source: ECI/ABP News/ABP Majha)
Ind vs SL 1st T20I: ધોનીની ક્લબમાં સામેલ થયો પૃથ્વી શૉ, જાણો વિગત
આ મેચમાં ભારતે પૃથ્વી શો અને વરૂણ ચક્રવર્તીને ડેબ્યૂ કેપ આપી હતી. જોકે વન ડેની જેમ પૃથ્વી શો પ્રભાવ પાડવામાં સફળ રહ્યો નહોતો. તે ઈનિંગના પ્રથમ બોલે જ આઉટ થયો હતો.
કોલંબોઃ ભારત-શ્રીલંકા વચ્ચે ત્રણ મચેની ટી-20 શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. ટોસ હાર્યા બાદ ભારત પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું. આ મેચમાં ભારતે પૃથ્વી શો અને વરૂણ ચક્રવર્તીને ડેબ્યૂ કેપ આપી હતી. જોકે વન ડેની જેમ પૃથ્વી શો પ્રભાવ પાડવામાં સફળ રહ્યો નહોતો. તે ઈનિંગના પ્રથમ બોલે જ આઉટ થયો હતો. આ સાથે તેના નામે એક અનોખો રેકોર્ડ નોંધાઈ ગયો હતો.
ડેબ્યૂ મેન પૃથ્વી શૉ પ્રથમ બોલ પર જ આઉટ થયો હતો. શૉ ટી-20 ડેબ્યૂમાં 0 પર આઉટ થનારો ભારતનો ત્રીજો ખેલાડી બન્યો હતો. આ પહેલા 2006માં ધોની દક્ષિણ આફ્રિકા સામે અને 2016માં કેએલ રાહુલ ઝીમ્બાબ્વે સામે ગોલ્ડન ડકના શિકાર બન્યા હતા.
પ્રથમ ટી-20માં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ચમીરા-હસરંગાએ 2-2 વિકેટ લીધી હતી.
સૂર્યકુમારની ફિફટી
ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 50 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવને 36 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા વડે 46 રનનું યોગદાન આપ્યું હતું. સંજુ સેમસન 20 બોલમાં 27 રન બનાવી આઉટ થયો હતો.
ભારતીય ટીમઃ શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, વરુણ ચક્રવર્તી, યુઝવેન્દ્ર ચહલ, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર
શ્રીલંકન ટીમઃ અવિષ્કા ફર્નાંડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), અશેન બંડારા, ધનંજય ડિસિલ્વા, ચરિથ અસલંકા, દસૂન શનાકા (કેપ્ટન), વનિંદુ હસરંગા, ચમિકા કરૂણારત્ને, દુશ્માંતા ચમિરા, અકિલા ધનંજય અને ઇસુરૂ ઉદાના
રોહિત-કોહલી વગર 5 વર્ષ બાદ ટીમ ઉતરી
ટીમ ઈન્ડિયા 2016 પછી વિરાટ-રોહિતની ગેરહાજરીમાં T-20 સિરીઝ રમવા ઉતરી છે. છેલ્લીવાર ઈન્ડિયન ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ઝીમ્બાબ્વે વિરુદ્ધ 3 મેચની T-20 સિરીઝ રમી હતી. જેમા કોહલી અને રોહિત બંને ટીમની પ્લેઇંગ-11માં સામેલ નહોતા. ઈન્ડિયા ટૂર ઓફ શ્રીલંકામાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં સામેલ નથી. બંને દિગ્ગજો અત્યારે ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ટની સિરીઝ રમવાની તૈયારી કરી રહી છે, જે 4 ઓગસ્ટથી શરૂ થશે.