વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની આજે થશે જાહેરાત, રોહિત શર્મા નહી પણ આ યુવા ખેલાડીને મળી શકે છે આરામ
કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ ઐય્યર વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયા હવે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પર જશે. ટીમ ઈન્ડિયાને આગામી વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર બે ટેસ્ટ મેચની સીરિઝ રમશે. આ પ્રવાસ માટે ભારતીય ટીમના સિલેક્ટર આજે ટીમની જાહેરાત પણ કરી શકે છે. આ ટેસ્ટ સીરિઝ માટે એવા અહેવાલો આવ્યા હતા કે કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવી શકે છે, પરંતુ BCCIના અધિકારીએ પોતાના નિવેદનથી આ બધી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ ઐય્યર વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ ત્રણેય ખેલાડીઓ હજુ સુધી સંપૂર્ણ રીતે ફિટ થયા નથી. આ સાથે જ ચેતેશ્વર પૂજારા ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહેશે. WTC ફાઈનલ મેચમાં હાર બાદ પૂજારા સતત ટીકાઓનો સામનો કરી રહ્યો છે.
બીસીસીઆઈના એક અધિકારીએ ઈન્સાઈડ સ્પોર્ટ્સને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે રોહિત સંપૂર્ણ રીતે ફિટ છે અને પસંદગી માટે પણ ઉપલબ્ધ છે. તેને ઘણા સમય સુધી આરામ મળ્યો છે. આ કારણોસર વર્કલોડ મેનેજમેન્ટ વિશે કોઈ ચિંતા નથી. તે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટીમનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામે નાગપુરના મેદાનમાં સદી ફટકારી હતી. તે પોતાની ફિટનેસનું પણ ધ્યાન રાખે છે. તેના ફોર્મને લઇને તેની ટીકા કરવી યોગ્ય રહેશે નહીં.
હાર્દિક ટી20 સીરિઝમાં કેપ્ટનશિપ સંભાળી શકે છે, ગિલને મળી શકે છે આરામ
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર વેસ્ટ ઈન્ડિઝ સામેની 5 મેચની T20 સીરીઝ માટે ટીમની કેપ્ટનશીપ સંભાળશે. વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને શુભમન ગિલને ટેસ્ટ અને વન-ડે સીરિઝ ટી-20 સીરિઝમાંથી આરામ આપવામાં આવી શકે છે. જેથી તેમના વર્કલોડને મેનેજ કરી શકાય. આ સિવાય સરફરાઝ ખાન અને મુકેશ કુમારને પણ ટેસ્ટ ટીમમાં સ્થાન મળી શકે છે. T20 ટીમમાં શુભમન ગીલની જગ્યાએ આઇપીએલમાં ધોનીની ટીમમાંથી ઓપનિંગ કરનારો ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને તક આપવામાં આવી શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડે ભારત માટે અત્યાર સુધીમાં 9 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેને 135 રન બનાવ્યા છે, અને ગાયકવાડનો હાઈએસ્ટ સ્કૉર 57 રનનો રહ્યો છે. IPL 2023માં ગાયકવાડે ચેન્નાઈ તરફથી રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું હતું