India A squad for Australia Series: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ઇન્ડિયા-એ ટીમની જાહેરાત, ઇશાન કિશનની વાપસી
India A squad for Australia Series: ઈશાને છેલ્લા કેટલાક મહિનામાં રેડ બોલ ક્રિકેટમાં 3 સદી ફટકારી હતી. ડિસેમ્બર 2023માં સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી પરત ફર્યા બાદથી તે BCCIની નારાજગીનો સામનો કરી રહ્યો હતો
India A squad for Australia Series: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) એ ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બે પ્રથમ શ્રેણીની મેચો માટે ભારતની એ ટીમની જાહેરાત કરી છે. આ સીરિઝ આ મહિનાના અંતમાં શરૂ થશે. ભારતની A ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. આ શ્રેણી માટે ઋતુરાજ ગાયકવાડને ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. નોંધનીય છે કે ઇન્ડિયા-એ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બે ફર્સ્ટ ક્લાસ મેચ રમશે. શ્રેણીની પ્રથમ મેચ 31 ઓક્ટોબરથી મૈકેમાં રમાશે. જ્યારે બીજી મેચ મેલબોર્નમાં 7 નવેમ્બરથી રમાશે.
ટીમમાં ઈશાન કિશનને તક મળી
આ પછી ઇન્ડિયા-એ ટીમ સિનિયર ટીમ ઇન્ડિયા સાથે વોર્મ-અપ મેચ પણ રમશે. આ મેચ 22 નવેમ્બરે પર્થ ટેસ્ટ પહેલા રમાશે. આ શ્રેણી માટે અભિમન્યુ ઇશ્વરનને ભારતની A ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય બોર્ડે ઈશાન કિશન અને અભિષેક પોરેલને વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન આપ્યું છે. જ્યારે મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યરને ટીમની બહાર રાખવામાં આવ્યો છે.
મજબૂત પ્રદર્શન કરનારા ખેલાડીઓનો પણ સમાવેશ
ઈશાને છેલ્લા કેટલાક મહિનામાં રેડ બોલ ક્રિકેટમાં 3 સદી ફટકારી હતી. ડિસેમ્બર 2023માં સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી પરત ફર્યા બાદથી તે BCCIની નારાજગીનો સામનો કરી રહ્યો હતો. તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાનું ફોર્મ બતાવ્યા બાદ તેને ફરી તક આપવામાં આવી છે.
ઈશાન સિવાય ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં દેવદત્ત પડિક્કલ, મુકેશ કુમાર, યશ દયાલ, રિકી ભુઇ, સાઇ સુદર્શન, બાબા ઇન્દ્રજીત, ખલીલ અહેમદ, નવદીપ સૈની, માનવ સુથાર, તનુષ કોટિયનનો સમાવેશ થાય છે. નીતિશ કુમાર રેડ્ડીને પણ એન્ટ્રી મળી છે. તેને હાર્દિક પંડ્યાનો ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ઇન્ડિયા-એ ટીમ
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, નીતીશ કુમાર રેડ્ડી, દેવદત્ત પડીક્કલ, રિકી ભુઈ, બાબા ઈન્દ્રજીત, ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક પોરેલ (વિકેટકીપર), મુકેશ કુમાર, ખલીલ અહેમદ, નવદીપ સૈની , યશ દયાલ, માનવ સુથાર અને તનુષ કોટિયન.