ટી20 ક્રિકેટમાં અશ્વિનની ટીમમાં વાપસીને લઈ વિરાટ કોહલીએ શું આપ્યું નિવેદન ? જાણો
કેપ્ટન વિરાટ કોહલી અશ્વિનની ટીમમાં વાપસીના સવાલ પર ભડક્યો પણ હતો. કોહલીએ કહ્યું હતું કે, સવાલ પૂછતા સમયે કોઈ તર્ક પણ હોવો જોઈએ.
અમદાવાદ: ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે ટી20 સીરિઝની શરુઆત થવા જઈ રહી છે. ટેસ્ટ સીરિઝમાં 32 વિકેટ લીધા બાદ રવિચંદ્રન અશ્વિન લિમિટેડ ઓવર ક્રિકેટમાં વાપસી કરશે તેવી અટકળો ચાલી રહી હતી પરંતુ તેને ટી20 સીરિઝ માટે ટીમમાં જગ્યા મળી નથી. એટલું જ નહીં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સ્પષ્ટ કરી દીધું છે કે, અશ્વિન માટે લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં ટીમના દરવાજા ખુલવાની કોઈ સંભાવના નથી.
કોહલીએ કહ્યું કે, વોશિંગટન સુંદર શાનદાર રમી રહ્યો છે એવામાં અશ્વિન માટે સીમિત ઓવરોની ટીમમાં હાલ જગ્યા નથી. તેમણે કહ્યું, વોશિંગ્ટન સુંદર શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. એક જ ક્ષમતાવાળા બે ખેલાડી ટીમમાં હોઈ શકે નહીં. એટલે કે સુંદર ખરાબ ફોર્મમાં રહેશે ત્યારે જ આ શક્ય બનશે.
કેપ્ટન વિરાટ કોહલી અશ્વિનની ટીમમાં વાપસીના સવાલ પર ભડક્યો પણ હતો. કહોલીએ કહ્યું હતું કે, સવાલ પૂછતા સમયે કોઈ તર્ક પણ હોવો જોઈએ. તમે જણાવો કે હું અશ્વિનને ક્યાં રાખું. ટીમમાં તેના માટે ક્યાં જગ્યા બને છે. વોશિંગટન પહેલાથી જ ટીમમાં છે. સવાલ પૂછવું સરળ છે પરંતુ પહેલા પોતાને પણ તેનો તર્ક ખબર હોવો જોઈએ.