India vs Australia 2nd Test: આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ, આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન
જો શ્રેયસ ઐય્યર રમશે તો સૂર્યકુમાર યાદવે બહાર બેસવું પડશે. સૂર્યકુમારે નાગપુરમાં રમાયેલી મેચ દ્વારા જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરી (શુક્રવાર)થી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ભારતે નાગપુર ટેસ્ટ મેચમાં કાંગારૂ ટીમને એક ઇનિંગ્સ અને 132 રને કચડી નાંખી હતી. બીજી ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યે શરૂ થશે.
શ્રેયસ અય્યરને મળશે તક?
બીજી મેચ પહેલા તમામની નજર ભારતીય ટીમના પ્લેઈંગ-11 પર પણ રહેશે. શ્રેયસ ઐય્યર આ મેચ માટે ટીમમાં પરત ફરશે. તેથી જોવાનું રહેશે કે ટીમ મેનેજમેન્ટ તેને સીધો પ્લેઇંગ-11માં સામેલ કરે છે કે નહીં. જો શ્રેયસ ઐય્યર રમશે તો સૂર્યકુમાર યાદવે બહાર બેસવું પડશે. સૂર્યકુમારે નાગપુરમાં રમાયેલી મેચ દ્વારા જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જોકે, સૂર્યા કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો.
પ્રથમ ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ અને કેએસ ભરત પણ ફ્લોપ રહ્યા હતા. વિકેટકીપર કેએસ ભરત પણ માત્ર 8 રનનું યોગદાન આપી શક્યો હતો. આ બંને ખેલાડીઓ પર સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે કારણ કે શુભમન ગિલ અને ઈશાન કિશન સારા ફોર્મમા છે. ખાસ કરીને શુભમન ગિલને પ્રથમ મેચમાં બાકાત રાખવા પર સવાલો ઉઠ્યા હતા. જો રાહુલ ફરી નિષ્ફળ રહેશે તો તેને ત્રીજી ટેસ્ટ મેચમાં ભાગ્યે જ તક મળશે.
ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ મેચમાં બોલિંગ કોમ્બિનેશનને જાળવી રાખવા માંગશે કારણ કે અરુણ જેટલી સ્ટેડિયમમાં પણ ટર્નિંગ પિચ જોવા મળશે. એટલે કે અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની સ્પિન ત્રિપુટી ફરી ધમાલ મચાવશે. પરંતુ તેનો અર્થ એ પણ છે કે કુલદીપ યાદવે બેન્ચ પર બેસવું પડશે. મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી ટીમના બે ફાસ્ટ બોલર હશે.
દિલ્હીમાં ભારતનો બેજોડ રેકોર્ડ
ભારત 1987થી દિલ્હીમાં એકપણ ટેસ્ટ મેચ હારી નથી. ભારતે દિલ્હીમાં રમાયેલી 34 ટેસ્ટ મેચોમાંથી 13માં જીત મેળવી છે અને માત્ર છમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમ દિલ્હીમાં કુલ 7 ટેસ્ટ મેચ રમી છે અને 1959 થી તે જીતની રાહ જોઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2013માં દિલ્હીમાં રમાઈ હતી. તે દરમિયાન એમએસ ધોનીની આગેવાની હેઠળની ટીમે 8 વિકેટે જીત મેળવી હતી. આર. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 14-14 વિકેટ લઈને ભારતની મોટી જીતનો પાયો નાખ્યો હતો.
બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.