IND vs ENG 5th T-20: બાઉન્ડ્રી પર જોર્ડને બતાવ્યો જાદુ, સૂર્યકુમાર પણ રહી ગયો દંગ, વીડિયો થયો વાયરલ
મેચમાં સૂર્યકુમાર યાદવ તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે 17 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 32 રન બનાવ્યા હતા.
IND vs ENG: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી20 સીરિઝની પાંચમી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 36 રનથી હરાવી 3-2થી સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. ટી20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની આ સતત છઠ્ઠી શ્રેણીની જીત છે.
મેચમાં સૂર્યકુમાર યાદવ તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી અને અડધી સદી તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ જોર્ડનની શાનદાર ફિલ્ડે તેની તોફાની ઈનિંગનો અંત લાવી લીધો હતો. જોર્ડને બાઉડ્રી પર એવો શાનદાર કેચ કર્યો હતો કે સૂર્યકુમાર પણ જોઈને દંગ રહી ગયો હતો. જોર્ડને બાઉન્ડ્રી બહાર જોતા બોલને બાઉન્ડ્રી અંદર ફેકી દીધો હતો અને જેસોન રોયે કેચ પકડ્યો હતો. સૂર્યકુમારને આઉટ થયા બાદ નિરાશ થઈને પાછા ફરવું પડ્યું હતું. 17 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 32 રન બનાવ્યા હતા.
ક્રિસ જોર્ડનના આ પ્રયાસ પર બીસીસીઆઈએ પણ ટ્વીટ કરી હતી. BCCIએ લખ્યું હતું કે, સૂર્યકુમારની ઇનિંગ્સને સમાપ્ત કરવા માટે એક સ્પેશિયલ એફર્ટની જરૂર છે. ICCએ પણ જોર્ડનની શાનદાર ફિલ્ડિંગને લઈને ટ્વિટ કરી હતી.
ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ, ભુવનેશ્વર કુમાર 2 વિકેટ, હાર્દિક પંડ્યા અને નટરાજને એક એક વિકેટ ઝડપી હતી. 225 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 188 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાને 68 રન અને બટલરે 52 રન બનાવ્યા હતા.
ભારતે જીતી સતત છઠ્ઠી સીરિઝ
ટીમ ઈન્ડિયાની ટી 20ક્રિકેટમાં આ સતત છઠ્ઠી શ્રેણીની જીત છે. આ પહેલા ભારતે ટી-20 સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ભારત છેલ્લી 9 સીરિઝથી અજેય રહ્યું છે. ટીમ ઈન્ડિયાને ફેબ્રુઆરી 2019 માં ટી20 શ્રેણીમાં છેલ્લી હાર મળી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ તેને માત આપી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને બે મેચની ટી 20 શ્રેણીમાં ક્લિન સ્વીપ કર્યું હતું.