IND Women vs ENG Women 3rd ODI: 84 બોલમાં ફટકારી તોફાની સદી, હરમનપ્રીત કૌરે ઈગ્લેન્ડમાં રચ્યો ઈતિહાસ
IND Women vs ENG Women 3rd ODI: જોકે હરમન સ્મૃતિ મંધાનાનો આ રેકોર્ડ તોડી શકી નહી પરંતુ તેણે ચોક્કસપણે મિતાલી રાજની બરાબરી કરી છે

IND Women vs ENG Women 3rd ODI: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે મોટી મેચની ખેલાડી છે. ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં તેણીએ માત્ર 84 બોલમાં 102 રનની તોફાની ઇનિંગ રમી અને પોતાની ટીમને જીત અપાવી હતી.
મિતાલીને પાછળ છોડી દીધી
હરમનપ્રીતે આ ઇનિંગ દરમિયાન 82 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી જે વન-ડે ક્રિકેટમાં ભારતીય મહિલા દ્ધારા બીજી સૌથી ઝડપી સદી છે. આ વર્ષે રાજકોટમાં આયરલેન્ડ સામે 70 બોલમાં તેના કરતા ઝડપી સદી ફક્ત સ્મૃતિ મંધાનાએ જ ફટકારી હતી.
જોકે હરમન સ્મૃતિ મંધાનાનો આ રેકોર્ડ તોડી શકી નહી પરંતુ તેણે ચોક્કસપણે મિતાલી રાજની બરાબરી કરી છે. આ હરમનની વન-ડે કારકિર્દીમાં 7મી સદી હતી. ખાસ વાત એ છે કે મિતાલીએ 232 મેચ રમીને 7 સદી ફટકારી છે, પરંતુ હરમનપ્રીતે માત્ર 149 મેચમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે, એટલે કે તેણે ઓછી મેચોમાં 7 સદી ફટકારીને ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજને પાછળ છોડી દીધી છે.
ત્રીજી વનડેમાં ભારતની મજબૂત બેટિંગ
મંગળવારે માન્ચેસ્ટરના લી સ્ટ્રીટ ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રીજી વનડેમાં ભારતે પ્રથમ બેટિંગ કરી અને 5 વિકેટે 318 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે 26-26 રન બનાવીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. ત્રીજા નંબરે આવેલી હરલીન દેઓલે 45 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ત્યારબાદ હરમનપ્રીતે 102 રન કર્યા હતા. જેમાં પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. જેમીમા રોડ્રિગ્સે પણ અડધી સદી ફટકારી, જ્યારે ઋચા ઘોષે 38 રનનું યોગદાન આપ્યું હતું.
આ મેચ પહેલા શ્રેણી 1-1 થી બરાબર હતી. ભારતે પહેલી મેચ જીતી હતી જ્યારે ઇંગ્લેન્ડે બીજી જીતી હતી. આવી સ્થિતિમાં આ ત્રીજી વનડે ફાઇનલ જેવી સાબિત થઈ હતી.
સ્મૃતિ મંધાના ટોચ પર છે
જોકે, સ્મૃતિ મંધાના વન-ડે ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. તેણીએ 105 વન-ડે મેચમાં 11 સદી ફટકારી છે. આ યાદીમાં હરમનપ્રીત અને મિતાલી સાત સદી સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે.




















