IND vs OMAN: ભારતે મેચ જીતી, ઓમાને દિલ, મોટા ઉલટફેરનો શિકાર થતા બચી ટીમ ઈન્ડિયા
રોમાંચક મેચમાં ભારતે ઓમાનને 21 રનથી હરાવ્યું. ઓમાનના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું જેનાથી ફરી એકવાર ભારતીય ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા હતા.

IND vs OMAN: રોમાંચક મેચમાં ભારતે ઓમાનને 21 રનથી હરાવ્યું. ઓમાનના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું જેનાથી ફરી એકવાર ભારતીય ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા હતા. પ્રથમ બેટિંગ કરતા ભારતે 188 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતા ઓમાન 167 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આમિર કલીમ અને હમ્માદ મિર્ઝાએ અડધી સદી ફટકારીને ઓમાન માટે મેચને રોમાંચક બનાવી દીધી.
India continue their unbeaten run in the Asia Cup with a win over Oman 🙌#INDvOMA 📝: https://t.co/EgJRsdL1Bf pic.twitter.com/jOkm1bjkZJ
— ICC (@ICC) September 19, 2025
ભારતે એશિયા કપ 2025 માં ઓમાનને 21 રનથી હરાવીને પોતાનો વિજય રથ ચાલુ રાખ્યો. શુક્રવારે અબુ ધાબીમાં રમાયેલી છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં 20 ઓવરમાં આઠ વિકેટે 188 રન બનાવ્યા. જવાબમાં, ઓમાને આમિર કલીમ અને હમ્માદ મિર્ઝાની અડધી સદીની મદદથી નિર્ધારિત ઓવરમાં ચાર વિકેટે 167 રન બનાવ્યા, જેના કારણે ભારતીય બોલરો પર ભારે દબાણ આવ્યું. જોકે, ટીમ મેચ જીતી શકી નહીં.
ઓમાનની શરૂઆત શાનદાર રહી
189 રનના જવાબમાં ઓમાનની શરૂઆત શાનદાર રહી હતી. જતિન્દર સિંહ અને આમિર કલીમે શાનદાર બેટિંગ કરી હતી. ઓમાને સાતમી ઓવરમાં સ્કોર 50 રનને પાર કરી દીધો હતો. જોકે, કુલદીપ યાદવે નવમી ઓવરમાં ઓમાનને પ્રથમ ઝટકો આપ્યો હતો. જતિન્દર સિંહ 32 રન કરીને આઉટ થયો હતો. ત્યારબાદ કલીમ અને હમ્માદ મિર્ઝાએ શાનદાર ભાગીદારી કરી હતી. કલીમે માત્ર 38 બોલમાં પોતાની ફિફ્ટી ફટકારી અને મિર્ઝાએ પણ તેને સારો સાથ આપ્યો હતો. ભારતીય બોલરોને વિકેટ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. બંન્નેએ 93 રનની ભાગીદારી કરી હતી. અંતે હર્ષિત રાણાએ આ ભાગીદારી તોડી અને કલીમ 64 રન કરીને આઉટ થયો હતો. અંતે ઓમાન 20 ઓવરમાં ચાર વિકેટે 167 રન જ બનાવી શક્યું હતું.
ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. શુભમન ગિલ બીજી ઓવરમાં શાહ ફૈઝલનો શિકાર બન્યો હતો. ગિલ માત્ર 5 રન કરી શક્યો હતો. જોકે, સંજુ સેમસન અને અભિષેક શર્માએ સારી બેટિંગ કરી હતી. જોકે, અભિષેક શર્માએ 38 રન બનાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ હાર્દિક પંડ્યા આઠમી ઓવરમાં રન આઉટ થયો હતો.
અક્ષર પટેલે 13 બોલમાં 26 રન કર્યા હતા. શિવમ દુબેએ પણ 14મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી હતી. દુબેએ ફક્ત 5 રન કર્યા હતા. ત્યારબાદ સંજુ સેમસન ફિફ્ટી ફટકારી પરંતુ 18મી ઓવરમાં આઉટ થયો હતો. તિલક વર્માએ 18 બોલમાં 29 રન બનાવ્યા હતા. ભારતે ઓમાનને જીતવા માટે 189 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.




















