IPL Auction 2022: આજે બેંગલુરુમાં યોજાશે મેગા ઓક્શન, જાણી લો કઇ ટીમના પર્સમાં કેટલા કરોડ રૂપિયા છે ?
IPL Player Auction 2022:મેગા ઓક્શન અગાઉ જાણી લો કઇ ટીમ પાસે કેટલા કરોડ રૂપિયા વધ્યા છે.
IPL 2022 મેગા ઓક્શન: IPLની આગામી સિઝન પહેલા બેંગલુરુમાં આજે મેગા ઓક્શન યોજાવાની છે. આ વખતે લીગમાં 10 ટીમો છે અને 590 ખેલાડીઓ પર દાવ લગાવશે. જેમાંથી 370 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 220 વિદેશી છે. મેગા ઓક્શન અગાઉ જાણી લો કઇ ટીમ પાસે કેટલા કરોડ રૂપિયા વધ્યા છે.
IPLમાં સૌથી વધુ વખત ટાઈટલ જીતનાર ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પાસે 48 કરોડનું પર્સ બાકી છે અને 42 કરોડ ખર્ચ્યા છે. કેપ્ટન રોહિત શર્માને 16 કરોડમાં ટીમે જાળવી રાખ્યો છે.
ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે 48 કરોડનું પર્સ બાકી છે અને તેણે 42 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ટીમે રવિન્દ્ર જાડેજાને 16 કરોડમાં, ધોનીને 12 કરોડમાં, મોઈન અલીને 8 અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કર્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે મેગા ઓક્શન માટે 57 કરોડ રૂપિયા બાકી છે. તેણે વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને રિટેન કરવા માટે 33 કરોડ ખર્ચ્યા છે.દિલ્હી કેપિટલ્સે 4 ખેલાડીઓને જાળવી રાખ્યા હતા જેના માટે 42.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. દિલ્હી ફ્રેન્ચાઈઝી પાસે હવે 47.5 કરોડ રૂપિયાનું પર્સ બાકી છે.પંજાબ ફ્રેન્ચાઇઝી સંપૂર્ણપણે નવી ટીમ બનાવવા માંગે છે અને તેને ધ્યાનમાં રાખીને માત્ર 2 ખેલાડીઓને જ રિટેન કરવામાં આવ્યા છે. મયંક અગ્રવાલને 12 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે. તેમની પાસે હવે 72 કરોડનું પર્સ બાકી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે આન્દ્રે રસેલને 12 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. તેમના સિવાય વેંકટેશ ઐયર અને વરુણ ચક્રવર્તીને 8-8 કરોડમાં જ્યારે સુનીલ નારાયણને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યા છે. ટીમ પાસે હવે 48 કરોડનું પર્સ બાકી છે. ભૂતપૂર્વ ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદે કેન વિલિયમસનને 14 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. અબ્દુલ સમદ અને ઉમરાન મલિકને 4 કરોડ રૂપિયામાં જાળવી રાખવામાં આવ્યા છે અને આ ફ્રેન્ચાઈઝી પાસે હવે 68 કરોડ રૂપિયા બાકી છે.
રાજસ્થાન રોયલ્સે 4 ખેલાડીઓને રિટેન કર્યા જેના માટે 28 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. રાજસ્થાન ફ્રેન્ચાઈઝી પાસે હવે રૂ. 62 કરોડનું પર્સ બાકી છે. સંજુ સેમસનને 14 રૂપિયામાં જ્યારે જોસ બટલરને 10 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. IPLની નવી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સે ખેલાડીઓને રિટેન કરવા માટે 38 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. તેમની પાસે હવે 52 કરોડ રૂપિયાનું પર્સ બાકી છે. કેએલ રાહુલ ટીમનો કેપ્ટન છે. ગુજરાત ટાઇટન્સ પાસે પણ 52 કરોડ રૂપિયાનું પર્સ બાકી છે. હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન છે.