(Source: ECI/ABP News/ABP Majha)
IPL: નવી ટીમ બનવાની રેસમાં લખનઉ અને અમદાવાદ મોખરે, જાણો શું છે કારણ
BCCI એ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે એક રાજ્યમાંથી માત્ર એક જ ટીમ IPL રમવા માટે માન્યતા મેળવશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલની આગામી સિઝન માટે બે નવી ટીમોના સમાવેશની વાત કરી છે. BCCI એ બે નવી ટીમોને IPLને સામેલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બીસીસીઆઈએ ટીમો ખરીદવા માટે રસ ધરાવતી ટીમોને બિડ સબમિટ કરવા માટે 5 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. આ સાથે લખનઉ અને અમદાવાદના નામે બે નવી ટીમો જોડાવાની શક્યતા ઘણી વધી ગઈ છે.
બીસીસીઆઈના અધિકારી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે નવી ટીમની રેસમાં લખનઉ અને અમદાવાદ મોખરે છે. આ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું છે કે આ ટીમો આગળ રહેવાનું સૌથી મોટું કારણ ત્યાંના સ્ટેડિયમમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પણ છે.
લખનઉની ટીમમાં રસ દર્શાવનારાઓમાં ગોયન્કા ગ્રુપ અને આદિત્ય બિરલા ગ્રુપ મોખરે છે, જ્યારે અદાણી ગ્રુપ અમદાવાદની ટીમ પર સટ્ટો રમી રહ્યું છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ અમદાવાદમાં ગયા વર્ષે જ પૂર્ણ થયું હતું. લખનઉના અટલ બિહારી સ્ટેડિયમમાં પણ તાજેતરમાં આધુનિક સુવિધાઓમાં વધારો જોવા મળ્યો છે.
નવી ટીમની ઓક્શનની તારીખ નક્કી થઈ ગઈ છે. આઈપીએલનની બે નવી ટીમો માટે 17 ઓક્ટોબરે હરાજી યોજાશે. 2022ની આઈપીએલમાં 8ના બદલે 10 ટીમો રમતી જોવા મળશે.
BCCI ને પાંચ હજાર કરોડનો ફાયદો થશે
BCCI એ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે એક રાજ્યમાંથી માત્ર એક જ ટીમ IPL રમવા માટે માન્યતા મેળવશે. મહારાષ્ટ્રથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પહેલેથી જ હાજર હોવાથી, અત્યારે ત્યાંથી કોઈ નવી ટીમ બનાવવામાં આવશે નહીં.
આઈપીએલમાં બે નવી ટીમોના ઉમેરા સાથે બીસીસીઆઈને લગભગ 5000 કરોડ રૂપિયાનો નફો થવાનો અંદાજ છે. આ સાથે આગામી વર્ષે IPL માં મેચોની સંખ્યા પણ વધશે. જાહેર થયેલી માહિતી અનુસાર, આઈપીએલ 2022 માં કુલ 74 મેચનું આયોજન થઈ શકે છે.