Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ
Champions Trophy 2025: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિશે એક એવા સમાચાર સામે આવ્યા છે

Champions Trophy 2025: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિશે એક એવા સમાચાર સામે આવ્યા છે જે બધા ક્રિકેટ ચાહકોને ચોંકાવી દેશે. આ દિવસોમાં આ સ્ટાર ખેલાડી પીઠની ઇજાને કારણે ટીમની બહાર છે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના રમવા પર પ્રશ્નો ઉભા થયા છે. ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીની પાંચમી ટેસ્ટ દરમિયાન તે ઘાયલ થયો હતો. ફિટનેસની સમસ્યાઓ હોવા છતાં બુમરાહને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, તેના માટે રમવું મુશ્કેલ લાગે છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના તાજેતરના અહેવાલ રિપોર્ટ અનુસાર, 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાનારી આઠ ટીમોની ICC ટુર્નામેન્ટમાં જસપ્રીત બુમરાહની ભાગીદારી અંગે શંકા છે. 31 વર્ષીય ફાસ્ટ બોલરની પીઠની ઇજાનું મૂલ્યાંકન ન્યૂઝીલેન્ડના ઓર્થોપેડિક સર્જન ડૉ. રોવન શાઉટન દ્વારા કરવામાં આવશે. બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે કે નહીં તે આ રિપોર્ટ અને ન્યૂઝીલેન્ડના ડૉક્ટરના પ્રતિભાવ પર નિર્ભર રહેશે. 2022માં પણ બુમરાહની પીઠની સારવાર થઈ હતી. તેને 2022માં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા ICC T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર કરવો પડ્યો હતો.
રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈ બુમરાહ માટે બેકઅપ યોજના બનાવી રહ્યું છે કારણ કે તેના સમયસર ફિટ થવાની શક્યતા ખૂબ ઓછી છે. ટીમની જાહેરાત દરમિયાન, મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે કહ્યું હતું કે બુમરાહ 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં રમી શકે છે પરંતુ "તેની પાસેથી વધારે અપેક્ષાઓ નથી."
BCCI ના એક સૂત્રએ ટીઓઆઇને જણાવ્યું હતું કે “BCCI ની મેડિકલ ટીમ ન્યૂઝીલેન્ડમાં શાઉટનના સંપર્કમાં છે. બોર્ડે બુમરાહના ન્યૂઝીલેન્ડ પ્રવાસનું પણ આયોજન કર્યું હતું પરંતુ હજુ સુધી તે બન્યું નથી. પસંદગીકારો જાણે છે કે જો બુમરાહ આપેલા સમયમાં 100 ટકા ફિટ થઈ જાય તો તે એક ચમત્કાર હશે.




















