યૂઝવેંદ્ર ચહલથી આગળ નિકળ્યો જસપ્રીત બુમરાહ, હવે માત્ર એક ખેલાડી તેનાથી આગળ
બીજી T20I મેચમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 4 વિકેટથી હારી ગઈ. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 126 રનની જરૂર હતી. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્ય 13.2 ઓવરમાં હાંસલ કરી લીધું.

Jasprit Bumrah Record: મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી T20I મેચમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 4 વિકેટથી હારી ગઈ. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 126 રનની જરૂર હતી. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્ય 13.2 ઓવરમાં હાંસલ કરી લીધું. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે જસપ્રીત બુમરાહે બે વિકેટ લીધી જેના કારણે તે ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં હાર્દિક પંડ્યા સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને પહોંચી ગયો છે. ભારતીય ફાસ્ટ બોલર બુમારાહે 2 વિકેટ લેતાની સાથે જ શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ટી20Iમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અર્શદીપના નામે છે
ટી20Iમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અર્શદીપ સિંહના નામે છે. આ ફોર્મેટમાં અર્શદીપે 65 મેચમાં 101 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ 77 મેચમાં 98 વિકેટ સાથે યાદીમાં બીજા ક્રમે છે. હાર્દિક પણ 98 વિકેટ સાથે આ યાદીમાં સંયુક્ત રીતે બીજા ક્રમે છે. યુઝવેન્દ્ર ચહલ 80 મેચમાં 96 વિકેટ સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે છે. ભુવનેશ્વર કુમાર 90 વિકેટ સાથે ચોથા ક્રમે છે.
બુમરાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 36મી વખત શૂન્ય આઉટ થયો
જસપ્રીત બુમરાહે પણ એક અનિચ્છનીય બેટિંગ રેકોર્ડ બનાવ્યો. આ મેચમાં બુમરાહ શૂન્ય રન પર રન આઉટ થયો. તેણે અનિલ કુંબલેને પાછળ છોડી દીધો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત આઉટ થનાર પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 36મી વખત શૂન્ય રન પર આઉટ થયો. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન આ યાદીમાં ટોચ પર છે, જે 43 વખત શૂન્ય રન પર આઉટ થયો છે.
ઓસ્ટ્રેલિયા T20 શ્રેણી 1-0 થી આગળ છે
નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં ભારતને 4 વિકેટથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી હતી. ટીમ ઈન્ડિયાને 17 વર્ષમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહેલી T20I હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા બેટિંગ કરતા, ભારત 18.4 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઈ ગયું. જવાબમાં, ઓસ્ટ્રેલિયાએ 13.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને જીત મેળવી. શ્રેણીની ત્રીજી T20 મેચ હવે 3 નવેમ્બરે રમાશે.
ઓસ્ટ્રેલિયાને 126 રનનો સામાન્ય લક્ષ્યાંક મળ્યો. ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શની ઓપનિંગ જોડીએ ઓસ્ટ્રેલિયાને ફક્ત 4 ઓવરમાં 50 રનથી વધુ રન બનાવ્યા. હેડ 15 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો, જ્યારે કેપ્ટન મિશેલ માર્શે 26 બોલમાં 46 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેમાં 2 ચોગ્ગા અને ચાર જબરદસ્ત છગ્ગા ફટકાર્યા.




















