દિલ્હી કેપિટલ્સે આ ધુરંધર બેટ્સમેનને સોંપી કેપ્ટનશીપ, WPL 2026 માં મેગ લેનિંગનું સ્થાન લેશે
મેગ લેનિંગના યુગનો અંત: જેમિમા પર ફ્રેન્ચાઈઝીનો ભરોસો. વર્લ્ડ કપની હિરોઈન અને 2.2 કરોડમાં રિટેન્શન. શાનદાર રેકોર્ડ અને આંકડાકીય વિગતો.

Jemimah Rodrigues captain: વુમન્સ પ્રીમિયર લીગ (WPL) ની આગામી સીઝન પહેલા દિલ્હી કેપિટલ્સે મોટો દાવ રમ્યો છે. ફ્રેન્ચાઇઝીએ જાહેરાત કરી છે કે 2026 ની સીઝન માટે ટીમની કમાન ભારતીય સ્ટાર બેટ્સમેન જેમિમા રોડ્રિગ્સના હાથમાં રહેશે. અત્યાર સુધી ટીમને ત્રણ ફાઈનલ સુધી પહોંચાડનાર ઓસ્ટ્રેલિયન દિગ્ગજ મેગ લેનિંગના સ્થાને હવે જેમિમા કેપ્ટન તરીકે જોવા મળશે. તાજેતરમાં વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન બાદ તેને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
વુમન્સ પ્રીમિયર લીગ (WPL) ની આગામી સીઝન માટે દિલ્હી કેપિટલ્સની ટીમે નેતૃત્વ પરિવર્તનની મોટી જાહેરાત કરી છે. ટીમના નવા કેપ્ટન તરીકે યુવા અને વિસ્ફોટક બેટ્સમેન જેમિમા રોડ્રિગ્સની નિયુક્તિ કરવામાં આવી છે. આ નિર્ણય સાથે જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેગ લેનિંગની કેપ્ટનશીપનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, લેનિંગની આગેવાનીમાં દિલ્હીની ટીમ અત્યાર સુધી ત્રણ વખત ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ત્રણેય વખત ટાઇટલ જીતવામાં ટીમ થોડાક અંતરથી ચૂકી ગઈ હતી. હવે ફ્રેન્ચાઈઝીએ જેમિમાના નેતૃત્વમાં પહેલી ટ્રોફી જીતવાની આશા વ્યક્ત કરી છે.
વર્લ્ડ કપના પ્રદર્શનનું ઈનામ
માત્ર 25 વર્ષની ઉંમરે જેમિમા રોડ્રિગ્સે પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે. વર્ષ 2025 માં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે તેણે રમેલી 127 રનની ઐતિહાસિક ઈનિંગે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ શાનદાર ફોર્મને જોતા દિલ્હી કેપિટલ્સે મેગા ઓક્શન પહેલા તેને 2.2 કરોડ રૂપિયામાં રિટેન કરી હતી અને હવે તેને ટીમની બાગડોર સોંપી છે.
જેમિમા રોડ્રિગ્સનો ઉત્સાહ અને પ્રતિક્રિયા
કેપ્ટન તરીકે પસંદગી પામ્યા બાદ જેમિમાએ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરવું એ મારા માટે ગર્વ અને સન્માનની વાત છે. મારા પર વિશ્વાસ મૂકવા બદલ હું ટીમ માલિકો અને સપોર્ટ સ્ટાફનો આભાર માનું છું. આ વર્ષ મારા અને મારા પરિવાર માટે અવિસ્મરણીય રહ્યું છે; પહેલા અમે વર્લ્ડ કપ જીત્યા અને હવે મને કેપ્ટનશીપની જવાબદારી મળી છે."
કારકિર્દી અને આંકડાઓ પર એક નજર
જેમિમા WPL ની પહેલી સીઝનથી જ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલી છે. તેણે ફ્રેન્ચાઈઝી માટે અત્યાર સુધી 27 મેચો રમી છે, જેમાં 139.67 ના સ્ટ્રાઈક રેટથી 507 રન ફટકાર્યા છે. તે ત્રણેય ફાઈનલ મેચોમાં ટીમનો ભાગ રહી ચૂકી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેનો અનુભવ બહોળો છે. તેણે ભારત માટે 113 T20I મેચોમાં 14 અડધી સદી સાથે 2,444 રન બનાવ્યા છે, જ્યારે 59 વનડે મેચોમાં 1,749 રન તેના નામે છે.




















