752ની એવરેજ, 5 સદી છતાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્થાન નહીં, ક્રિકેટ જગતમાં હોબાળો
19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમમાં ઘણા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ કરુણ નાયરની બાદબાકીએ સૌને ચોંકાવી દીધા છે.

Karun Nair Champions Trophy 2025 exclusion: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત થતાની સાથે જ એક નવા વિવાદે જન્મ લીધો છે. વિજય હજારે ટ્રોફીમાં 752ની એવરેજથી રન બનાવનાર અને 7 ઇનિંગ્સમાં 5 સદી ફટકારનાર કરુણ નાયરને ટીમમાં સ્થાન ન મળતાં ક્રિકેટ ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમમાં ઘણા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ કરુણ નાયરની બાદબાકીએ સૌને ચોંકાવી દીધા છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં આટલું શાનદાર પ્રદર્શન કરવા છતાં તેને ટીમમાં તક ન મળતા અનેક સવાલો ઉભા થયા છે.
વિદર્ભનો કેપ્ટન કરુણ નાયર વિજય હજારે ટ્રોફીમાં સતત મોટી ઇનિંગ્સ રમી રહ્યો હતો. તેના ફોર્મને જોતા લાગી રહ્યું હતું કે પસંદગીકારો તેને ટીમમાં સ્થાન આપી શકે છે, પરંતુ એવું થયું નહીં. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે ચીફ સિલેક્ટર અજીત અગરકરને કરુણ નાયરની પસંદગી ન કરવા બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હાલમાં ટીમમાં તેના માટે કોઈ સ્થાન નથી.
અજીત અગરકરે વધુમાં જણાવ્યું કે કરુણ નાયરના ફોર્મ પર ચર્ચા થઈ હતી અને આવા પ્રદર્શન વારંવાર જોવા મળતા નથી. પરંતુ હાલની ટીમમાં તેના માટે જગ્યા બનાવવી મુશ્કેલ હતી. તેમણે સ્વીકાર્યું કે 750થી વધુની એવરેજ ખૂબ જ પ્રભાવશાળી છે, પરંતુ 15 સભ્યોની ટીમમાં દરેકને સમાવવા શક્ય નથી. જો કોઈ ખેલાડી ફોર્મ ગુમાવે અથવા ઈજાગ્રસ્ત થાય, તો કરુણ નાયરને તક મળી શકે છે.
કરુણ નાયરે વિજય હજારે ટ્રોફીમાં અત્યાર સુધી 7 ઇનિંગ્સમાં 752 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 1 અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે સતત 4 મેચમાં સદી ફટકારીને રેકોર્ડ પણ બનાવ્યો છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આટલું શાનદાર પ્રદર્શન હોવા છતાં તેની પસંદગી ન થતાં સોશિયલ મીડિયા પર પણ ક્રિકેટ ચાહકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કરુણ નાયરે ટીમ ઈન્ડિયા માટે 6 ટેસ્ટ અને 2 ODI મેચ રમી છે. તેણે છેલ્લી ODI 2016માં અને છેલ્લી ટેસ્ટ 2017માં રમી હતી. ત્યારબાદ તે ટીમમાંથી બહાર છે.
આ પણ વાંચો...
25 વર્ષના આ ખેલાડીની લાગી લોટરી, ટીમ ઈન્ડિયામાં અચાનક મળી વાઈસ કેપ્ટનની જવાબદારી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
