(Source: ECI/ABP News/ABP Majha)
Match Fixing Exposed in Cricket: ક્રિકેટમાં ફરી મેચ ફિક્સિંગનો ખુલાસો, ત્રણ ભારતીય સહિત આઠ લોકો પર આરોપ
Match Fixing : આ વખતે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પોતે જ આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે
Match Fixing Exposed in Cricket: ક્રિકેટમાં ફરી એકવાર મેચ ફિક્સિંગનું ભૂત ધૂણ્યું હતું. આ વખતે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પોતે જ આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. જેમાં 3 ભારતીયો સહિત 8 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
વાસ્તવમાં આઇસીસીએ 2021 UAE T10 લીગ દરમિયાન થયેલી ભ્રષ્ટ પ્રવૃત્તિઓની તપાસ કરી હતી. આ પછી આઈસીસીએ આ પ્રવૃત્તિઓમાં સામેલ 8 ખેલાડીઓ, અધિકારીઓ અને કેટલાક ભારતીય ટીમના માલિકો સામે વિવિધ આરોપો લગાવ્યા છે.
કોણ છે ત્રણ ભારતીયો જેના પર લાગ્યા છે આરોપ?
બે ભારતીય સહ-માલિકો પરાગ સંઘવી અને કૃષ્ણ કુમાર છે. આ બંને ટીમ પૂણે ડેવિલ્સના સહ-માલિકો છે અને તે સીઝનમાં તેમના એક ખેલાડી બાંગ્લાદેશના ભૂતપૂર્વ ટેસ્ટ બેટ્સમેન નાસિર હુસૈન પર પણ લીગના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ઉલ્લંઘનનો આરોપ છે.
ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સામેલ થનાર ત્રીજો ભારતીય બેટિંગ કોચ છે, જેનું નામ સની ઢિલ્લોન છે. ICCએ કહ્યું હતું કે 'આ આરોપો 2021 અબુ ધાબી T10 ક્રિકેટ લીગ અને તે ટૂર્નામેન્ટમાં મેચોમાં ભ્રષ્ટાચાર કરવા સંબંધિત છે. આ ટુર્નામેન્ટ માટે ECB દ્વારા ડેઝિગ્નેટેડ એન્ટી કરપ્શન ઓફિસર (DACO) તરીકે ICCની નિમણૂક કરવામાં આવી હતી અને આ રીતે ECB દ્વારા આ આરોપ જાહેર કરવામાં આવ્યા છે.
સંઘવી, કૃષ્ણ કુમાર અને સની પર શું છે આરોપ?
સંઘવી પર મેચના પરિણામો અને અન્ય પાસાઓ પર સટ્ટો લગાવવાનો અને તપાસ એજન્સીને સહકાર ન આપવાનો આરોપ છે. જ્યારે કૃષ્ણ કુમાર પર DACO થી વસ્તુઓ છૂપાવવાનો આરોપ છે. આ સિવાય કોચ સની પર મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.
બાંગ્લાદેશ માટે 19 ટેસ્ટ અને 65 ODI મેચ રમી ચૂકેલા નાસિર પર DACO એ 750 ડોલરથી વધુની ભેટની માહિતી જાહેર ન કરવાનો આરોપ છે.
અન્ય જેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં બેટિંગ કોચ અઝહર ઝૈદી, યુએઈના સ્થાનિક ખેલાડીઓ રિઝવાન જાવેદ અને સાલિયા સમન અને ટીમ મેનેજર શાદાબ અહેમદનો સમાવેશ થાય છે. ત્રણ ભારતીયો સહિત છ લોકોને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તે બધાને આરોપોનો જવાબ આપવા માટે મંગળવારથી 19 દિવસનો સમય મળશે.