Dhoni Latest News: MS ધોનીના માતા-પિતા કોરોના પોઝિટિવ, રાંચીની હોસ્પિટલમાં દાખલ
એમએસ ધોનીના પિતા અને માતા રાંચીની પલ્પ સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
Coronavirus: જીવલેણ કોરોના વાયરસ હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ઘર પર પણ પહોંચી ગયો છે. એમએસ ધોનીના પિતા પાન સિંહ ધોની અને માતા દેવકી સિંહ ધોનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યાર બાદ બન્નેને ઝારખંડની રાજધાની રાંજીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની આઈપીએલ રમી રહ્યા છે અને પોતાના પરિવારથી દૂર છે.
જાણકારી અનુસાર, એમએસ ધોનીના પિતા અને માતા રાંચીની પલ્પ સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ધોનીએ યૂએઈમાં આઈપીએલ 2020 બાદ પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. હાલમાં આઈપીએલ 2021 પહેલા તેણે કોઈ મેચ રમી ન હતી.
દેશમાં કોરોના મહામારીએ (Coroanvirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 21 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,95,041 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2023 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,67,457 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 56 લાખ 16 હજાર 130
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 32 લાખ 76 હજાર 039
- કુલ એક્ટિવ કેસ - 21 લાખ 57 હજાર 538
- કુલ મોત - 1 લાખ 82 હજાર 553
- 13 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 13 કરોડ 01 લાખ 19 હજાર 310 ડોઝ આપવામાં આવ્યા છે.