New Chief Selector: ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટર બનવાના રિપોર્ટ પર સહેવાગે તોડ્યું મૌન, જાણો શું આપ્યું મોટું નિવેદન?
BCCIએ આ પોસ્ટ ભરવા માટે અરજીઓ મંગાવવાનું શરૂ કર્યું છે.
Team India New Selector: હાલમાં ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિમાં એક પદ ખાલી છે. આ અંગે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગનું નામ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઇ રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, બીસીસીઆઇએ મુખ્ય પસંદગીકાર બનાવવા માટે સહેવાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હવે આ મામલે સહેવાગે મૌન તોડ્યું હતું.
ચેતન શર્માએ ફેબ્રુઆરી 2023માં મુખ્ય પસંદગીકારના પદ પરથી રાજીનામું આપ્યા બાદ ભારતીય ટીમની પસંદગી સમિતિમાં જગ્યા ખાલી છે. હવે BCCIએ આ પોસ્ટ ભરવા માટે અરજીઓ મંગાવવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન સહેવાગે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં આ પદ માટે અરજી કરી હોવાનો ઇનકાર કરી દીધો હતો. સહેવાગે તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મુખ્ય પસંદગીકારના પદ માટે કોઈ ઓફર કરવામાં આવી હોવાના અહેવાલોને ફગાવી દીધા હતા.
ચીફ સિલેક્ટરના પદ પરથી ચેતન શર્માના રાજીનામા બાદ પૂર્વ ભારતીય ખેલાડી શિવ સુંદર દાસ આ પદ સંભાળી રહ્યા છે. દાસ ઉપરાંત પસંદગી સમિતિના અન્ય સભ્યોમાં એસ સરથ, સુબ્રતો બેનર્જી અને સલિલ અંકોલા છે. ઉલ્લેખનીય છે કે, એક ટીવી ચેનલએ સ્ટીંગ ઓપરેશન જાહેર કરી દેતા ચેતન શર્માએ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર પદેથી રાજીનામુંં આપવું પડ્યું હતું. ત્યારથી આ પદ પર કોઈ કાયમી નિમણૂંક થઈ નથી.
પસંદગીકાર બનવા માટે આ માપદંડ
પસંદગીકાર બનવા માટે BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ અનુસાર, આ પદ માટે અરજી કરનાર અરજદારે ઓછામાં ઓછી 30 ફર્સ્ટ ક્લાસ મેચ અથવા 7 ટેસ્ટ મેચ અથવા 10 વન-ડે રમી હોવી જોઈએ. આ ઉપરાંત, તે વ્યક્તિએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિના 5 વર્ષ પૂર્ણ કર્યા હોવા જોઈએ. ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટરનો વાર્ષિક પગાર એક કરોડ રૂપિયા છે, જ્યારે બાકીના ચાર સભ્યોને વાર્ષિક 90 લાખ રૂપિયા મળે છે.
44 વર્ષીય વિરેન્દ્ર સહેવાગે 104 ટેસ્ટ મેચમાં 8586 રન બનાવ્યા જેમાં 23 સદી સામેલ છે. સહેવાગનો ટેસ્ટમાં સર્વોચ્ચ સ્કોર 319 હતો, જે તેણે દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યો હતો. તે ટીમ ઈન્ડિયાનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે બે ત્રેવડી સદી ફટકારી છે. વન ડે ઈન્ટરનેશનલની વાત કરીએ તો વિરેન્દ્ર સહેવાગે 15 સદી અને 38 અડધી સદીની મદદથી 8283 રન બનાવ્યા હતા. વન ડેમાં સહેવાગનો સર્વોચ્ચ સ્કોર 219 રન હતો. આ સિવાય સહેવાગના નામે 19 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 394 રન પણ નોંધાયેલા છે.