ODI : તો વન ડે ક્રિકેટ જ બંધ થઈ જશે? આ વર્લ્ડકપ બની રહેશે છેલ્લી મેચ?
MCCએ સૂચન કર્યું છે કે, 2027 ODI વર્લ્ડકપ પછી દ્વિપક્ષીય ODI શ્રેણી બંધ કરી દેવી જોઈએ. ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન, MCCએ ICCને દ્વિપક્ષીય ODI શ્રેણીને રદ કરવાનું સૂચન કર્યું છે.
ICC On ODI Format: ક્રિકેટમાં T-20નું પ્રભુત્વ ધીમે ધીમે વધી રહ્યું છે. જેની વન ડે ક્રિકેટ ફોર્મેટ પર વિપરીત અસર પડી રહી છે. લોકમુખે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, શું વન ડે ક્રિકેટનો સાચે જ મૃત્યુઘંટ વાગી જશે? આ દિશામાં MCCએ પણ કંઈક આવુ જ સૂચન કર્યું છે. MCCએ સૂચન કર્યું છે કે, 2027 ODI વર્લ્ડકપ પછી દ્વિપક્ષીય ODI શ્રેણી બંધ કરી દેવી જોઈએ. ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન, MCCએ ICCને દ્વિપક્ષીય ODI શ્રેણીને રદ કરવાનું સૂચન કર્યું છે.
એમસીસીએ કહ્યું હતું કે, T20 ફોર્મેટ અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટનો ક્રેઝ સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. તેથી દ્વિપક્ષીય વનડે શ્રેણી બંધ કરવી જોઈએ. જોકે, MCCના સભ્યોએ આશા વ્યક્ત કરી હતી કે, 2023ના વર્લ્ડકપથી પરિસ્થિતિ ચોક્કસપણે બદલાશે.
ટેસ્ટ ફોર્મેટ પર MCCએ શું કહ્યું?
એમસીસીનું કહેવું છે કે, ટેસ્ટ ફોર્મેટના પોતાના પડકારો છે. ટેસ્ટ ક્રિકેટ અસ્તિત્વ માટે સતત ઝઝુમી રહી છે. દુનિયામાં ઘણા એવા દેશ છે, જેઓ 5 દિવસની મેચો પર પોતાના પૈસા ખર્ચવા નથી માંગતા. તેણે ઝિમ્બાબ્વેનું ઉદાહરણ પણ આપ્યું. ઝિમ્બાબ્વેએ વર્ષ 2017માં નિર્ણય લીધો હતો કે, તે વધુમાં વધુ મેચો તેના દેશોની બહાર રમશે. મતલબ, અન્ય ટીમોની યજમાનીમાં રમશે. ઉપરાંત, MCCએ એવુ પણ સૂચન કર્યું છે કે, ICC ટેસ્ટ મેચો માટે અલગ ફંડની વ્યવસ્થા કરે.
ODI ફોર્મેટના ભવિષ્ય પર ટૂંક સમયમાં મોટો નિર્ણય સંભવ છે. હકીકતમાં ODI ક્રિકેટની લોકપ્રિયતા સતત ઘટી રહી છે, જ્યારે T20 ફોર્મેટના ચાહકોને ઘણું મળી રહ્યું છે. ખાસ કરીને આંકડા દર્શાવે છે કે કોરોના મહામારી બાદ ચાહકો ODI ક્રિકેટમાં ઓછો રસ લઈ રહ્યા છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જે રીતે T20 ફોર્મેટની લોકપ્રિયતા વધી છે, તેવા ODI ફોર્મેટ માટે બ્રોડકાસ્ટરની વ્યવસ્થા કરવી સરળ નથી. તો આ સ્થિતિમાં દ્વિપક્ષીય વનડે શ્રેણીને રદ કરી શકાય છે.
તો શું ODI ફોર્મેટ રદ કરવામાં આવશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી દિવસોમાં દક્ષિણ આફ્રિકાના ડરબનમાં ICCની બેઠક યોજાશે. આ બેઠકમાં ODI ફોર્મેટ પર મોટો નિર્ણય સંભવ છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આઈસીસીના એક સભ્યએ કહ્યું હતું કે, વર્લ્ડકપ 2023 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નજીક છે, પરંતુ તેમ છતાં ચાહકો ODI ફોર્મેટમાં રસ નથી બતાવી રહ્યા. તેમણે કહ્યું હતું કે, ખાસ કરીને કોરોના રોગચાળા પછી ચાહકોએ ટી-20ને કારણે વનડેમાં વધુ રસ દાખવ્યો નથી. જો કે, તેમણે કહ્યું હતું કે, માત્ર ભારત જેવો દેશ જ વિશ્વકપ 2023 અને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મોટી ઇવેન્ટ માટે 50 ઓવરની મેચો માટે ભીડ એકઠી કરી શકે છે, જે ODI ફોર્મેટને બચાવવા માટે જરૂરી છે.
ચાહકો ઉપરાંત પ્રસારણકર્તાઓની ODI ફોર્મેટ પ્રત્યેની ઉદાસીનતા...
ICC અનુસાર, હવે બ્રોડકાસ્ટર્સ ટેસ્ટ સિરીઝ અથવા T20 સિરીઝ પર ફોકસ કરી રહ્યા છે. બ્રોડકાસ્ટર્સ ODI ફોર્મેટમાં વધુ રસ નથી દાખવી રહ્યા. જોકે, ODI ફોર્મેટનું ભવિષ્ય શું હશે તેનો અંતિમ નિર્ણય ડરબનમાં યોજાનારી ICCની બેઠકમાં લેવામાં આવશે.