IND vs AUS: ભારતીય સ્પિનર્સની ફિરકીમાં ફસાયું ઓસ્ટ્રેલિયા, મેક્સવેલ-માર્શ-ગ્રીન તમામ ફ્લોપ, ભારતને જીતવા 200 રનનો ટાર્ગેટ
રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને રવિચંદ્રન અશ્વિનની ત્રિપુટી સામે ઓસ્ટ્રેલિયન ટીમ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં માત્ર 199 રન જ બનાવી શકી હતી.
India vs Australia, ICC Cricket World Cup 2023: રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને રવિચંદ્રન અશ્વિનની ત્રિપુટી સામે ઓસ્ટ્રેલિયન ટીમ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં માત્ર 199 રન જ બનાવી શકી હતી. ભારતીય સ્પિનરો કાંગારૂ બેટ્સમેનો માટે ઘાતક સાબિત થયા હતા. ભારત તરફથી સૌથી સફળ બોલર રવિન્દ્ર જાડેજા રહ્યો હતો. રવિંદ્ર જાડેજાએ 10 ઓવરમાં 2 મેડન સાથે માત્ર 28 રન આપ્યા અને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા.
ભારતની ઘાતક બોલિંગ એવી હતી કે ઓસ્ટ્રેલિયાની ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. ઓસ્ટ્રેલિયાનો મિડલ ઓર્ડર ભારતીય બોલરો સામે પત્તાના માફક તૂટી પડ્યો હતો.
Innings break!
Australia are all out for 199 courtesy of a solid bowling performance from #TeamIndia 👏👏
Ravindra Jadeja the pick of the bowlers with figures of 3/28 👌👌
Scorecard ▶️ https://t.co/ToKaGif9ri#CWC23 | #INDvAUS | #MeninBlue pic.twitter.com/TSf9WN4Bkz — BCCI (@BCCI) October 8, 2023
વોર્નર અને સ્મિથે મજબૂત શરૂઆત આપી, મિડલ ઓર્ડર સંપૂર્ણ ફ્લોપ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી. પોતાની તોફાની બેટિંગ માટે પ્રખ્યાત મિશેલ માર્શ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. જસપ્રીત બુમરાહે તેને વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરે મજબૂત શરૂઆત આપી હતી. બંનેએ બીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી હતી. જોકે, બોલ જૂનો થઈ જતાં બંને માટે રન બનાવવા મુશ્કેલ બની ગયા હતા.
વોર્નર 52 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 41 રન બનાવીને આઉટ થયો હતો. તેને કુલદીપ યાદવે પોતાના જ બોલ પર કેચ આઉટ કર્યો હતો. આ પછી માર્નલ લેબુશેન અને સ્ટીવ સ્મિથ વચ્ચે 36 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ સ્મિથના આઉટ થતા જ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એક બાદ એક આઉટ થઈ ગયા હતા.
સ્મિથે 71 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા. લાબુશેન 41 બોલમાં 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ગ્લેન મેક્સવેલ 15, એલેક્સ કેરી 00, કેમરોન ગ્રીન 08 અને કેપ્ટન પેટ કમિન્સ માત્ર 15 રન બનાવી શક્યો હતો.
અંતે મિચેલ સ્ટાર્કે 35 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા અને ટીમના સ્કોરને 200ની નજીક પહોંચાડી દીધો. જ્યારે એડમ ઝમ્પા 06 રને અને જોશ હેઝલવુડ એક રન પર અણનમ પરત ફર્યા હતા.
ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય કુલદીપ યાદવ અને જસપ્રિત બુમરાહે બે-બે વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિનને એક-એક સફળતા મળી હતી.