રેપ કેસમાં RCBનો બોલર યશ દયાલ જશે જેલ? રાજસ્થાન હાઈકોર્ટે ધરપકડ પર રોક લગાવવાનો કર્યો ઈનકાર
યશના વકીલે દલીલ કરી હતી કે આ કેસ ક્રિકેટરને બદનામ કરવાના મોટા કાવતરાનો ભાગ છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તરફથી રમનારા ઉત્તર પ્રદેશના ફાસ્ટ બોલર યશ દયાલને રાજસ્થાન હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાન હાઇકોર્ટે સગીર છોકરી પરના કથિત બળાત્કાર કેસમાં RCB ફાસ્ટ બોલર યશ દયાલની ધરપકડ પર સ્ટે મુકવાનો ઇનકાર કર્યો છે.
રાજસ્થાન હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે પીડિતા સગીર હોવાથી આરોપી ક્રિકેટરને ધરપકડમાંથી કોઈ વચગાળાની રાહત આપી શકાતી નથી. જયપુરમાં કેસની સુનાવણી કરતા જસ્ટિસ સુદેશ બંસલે કેસ ડાયરી મંગાવી અને આગામી સુનાવણીની તારીખ 22 ઓગસ્ટ નક્કી કરી હતી.
યશ દયાલના વકીલે તેને કાવતરું ગણાવ્યું
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ક્રિકેટર યશ દયાલના વકીલ કુણાલ જૈમને દલીલ કરી હતી કે આ કેસ ક્રિકેટરને બદનામ કરવાના મોટા કાવતરાનો ભાગ છે. તેમણે દાવો કર્યો હતો કે ગાઝિયાબાદમાં પણ આવો જ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેના પર અલ્હાબાદ હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો.
યશ દયાલના વકીલે આરોપ લગાવ્યો હતો કે, "તે ઘટનાના માત્ર સાત દિવસ પછી જયપુરમાં બીજી FIR દાખલ કરવામાં આવી હતી. એવું લાગે છે કે કોઈ ગેંગ આવા કેસ નોંધવામાં અને બ્લેકમેલિંગ કરવામાં સક્રિય છે." જોકે, સાંગાનેર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અનિલ જૈમને જયપુર કેસની વિગતો શેર કરી અને કહ્યું હતું કે ફરિયાદી, જે ઘટના સમયે સગીર હતી, તે એક ક્રિકેટ ઇવેન્ટ દરમિયાન યશ દયાલના સંપર્કમાં આવી હતી.
જાણો આ કેસમાં પોલીસનું નિવેદન શું છે
આ પછી તેણીએ યશ દયાલ પર લગભગ બે વર્ષ પહેલાં ક્રિકેટમાં કારકિર્દી બનાવવામાં મદદ કરવાના બહાને તેનું જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, યશ દયાલે IPL 2025 સીઝન દરમિયાન જયપુરના સીતાપુરામાં એક હોટલમાં છોકરીને તેના રૂમમાં બોલાવી હતી અને ફરીથી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પહેલી ઘટના સમયે પીડિતા 17 વર્ષની હોવાથી આ કેસમાં ભારતીય દંડ સંહિતા (IPC) તેમજ 'POCSO' એક્ટની સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.
નોંધનીય છે કે ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક છોકરીએ ક્રિકેટર યશ દયાલ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. આરોપ મુજબ, યશ દયાલે લગ્નની લાલચ આપીને છોકરીનું આર્થિક, માનસિક અને શારીરિક શોષણ કર્યું છે. BNSની કલમ 69 હેઠળ યશ દયાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.




















