રણજી ટ્રોફીની એક મેચમાં આ રાજ્યની ટીમે 1297 રન કરીને બનાવ્યો નવો રેકોર્ડ, જો કે મેચ ડ્રો રહી
રણજી ટ્રોફી 2021-22ની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં આ ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 880 રન બનાવ્યા હતા અને બીજી ઈનિંગમાં 417 રન બનાવ્યા હતા. આમ કુલ 1297 રન કરીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે.
રણજી ટ્રોફી 2021-22ની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ ઝારખંડ અને નગાલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચ ડ્રો રહી હતી પરંતુ ઝારખંડે જે રીતે બેટીંગ કરી તે વખાણવા લાયક છે. ઝારખંડે પોતાની પહેલી ઈનિંગમાં 880 રન બનાવ્યા હતા અને મેચમાં કુલ 1297 રન બનાવ્યા હતા. આ સીઝનમાં કોઈ પણ ટીમ દ્વારા બનાવવામાં આવેલ સૌથી વધુ રન છે. ઝારખંડની ટીમે આ મેચમાં કુલ 3 સદી અને એક બેવડી સદી ફટકારવામાં આવી હતી.
ઝારખંડે પ્રથમ બેટીંગ કરતાં ઓલઆઉટ થવા સુધીમાં 880 રન બનાવી લીધા હતા. આ ઈનિંગમાં ટીમના વિકેટકીપર અને બેટ્સમેન કુમાર કુશાગ્રે જબરદસ્ત બેટીંગ કરી હતી. કુશાગ્રે 270 બોલમાં 266 રન બનાવ્યા હતા જેમાં કુલ 37 ચોક્કા અને 2 છક્કાનો સમાવેશ થાય છે. જ્યારે વિરાટ સિંહે સદી ફટકારી હતી. વિરાટે 153 બોલમાં 107 રન બનાવ્યા હતા. ટીમના ત્રીજા બેટ્સમેન શાહબાજ નદીમે પણ પોતાના શાનદાર પ્રદર્શન સાથે કુલ 304 બોલમાં 177 રન બનાવ્યા હતા. આ રીતે ઝારખંડે પ્રથમ ઈનિંગમાં કુલ 880 રન બનાવી લીધા હતા.
નાગાલેન્ડની ટીમ પોતાની પ્રથમ ઈનિંગમાં 289 રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી. આ ઈનિંગમાં નાગાલેન્ડની ટીમના વિકેટકિપર અને બેટ્સમેન ચેતન બિષ્ટે 126 રન કર્યા હતા. નાગાલેન્ડની ટીમ ઓલ આઉટ થયા બાદ ઝારખંડની ટીમ રમવા આવી હતી જેમાં તેમણે 417 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ઝારખંડની ટીમના અનુકુલ રોયે 153 રન બનાવ્યા હતા. આમ ઝારખંડની ટીમે કુલ 1297 રન બનાવ્યા હતા. આ રણજી ટ્રોફીના આ સીઝનનો સૌથી વધુ ટોટલ સ્કોર છે.
રણજી ટ્રોફીની એક મેચમાં સૌથી વધુ ટીમ સ્કોરઃ
944/6 - હૈદરાબાદ V/s આંધ્ર પ્રદેશ, 1993-94
912/6 - તમિલનાડુ V/s ગોવા, 1988-89
912/8 - મધ્યપ્રદેશ V/s કર્નાટક, 1945-46
880/10 - ઝારખંડ V/s નાગાલેન્ડ, 2021-22*