Ashwin Test Wickets: અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કુંબલે અને શેન વોર્નને આ મામલે છોડ્યા પાછળ
Ravichandran Ashwin 500 Test Wickets: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી રાજકોટ ટેસ્ટ મેચમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈતિહાસ રચ્યો છે.
Ravichandran Ashwin 500 Test Wickets: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી રાજકોટ ટેસ્ટ મેચમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈતિહાસ રચ્યો છે. અશ્વિને ટેસ્ટમાં 500 વિકેટ પૂરી કરી લીધી છે. અશ્વિને મેચના બીજા દિવસે (16 ફેબ્રુઆરી) જેક ક્રાઉલીને આઉટ કરીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમાં 500 વિકેટનો આંકડો પાર કરનાર બીજો ભારતીય ખેલાડી છે.
Hats off to @ashwinravi99 for achieving an incredible feat of securing 500 test wickets. Your outstanding talent and unwavering commitment have left a lasting mark in cricketing history.@BCCI pic.twitter.com/Hxrr1bP71K
— Jay Shah (@JayShah) February 16, 2024
અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેનારો બીજો બોલર છે. અશ્વિને 98મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી છે. ટેસ્ટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેવાનો રેકોર્ડ મુથૈયા મુરલીધરનના નામે છે, જેણે 87મી ટેસ્ટમાં આ અનોખી સિદ્ધિ મેળવી હતી. જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ 105 ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો અને ઓસ્ટ્રેલિયાના દિવંગત સ્પિનર શેન વોર્ને તેની 108મી ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. એટલે કે સૌથી ઝડપી ગતિએ 500 વિકેટ લેવાના મામલે કુંબલેએ વોર્ન અને કુંબલેને પાછળ છોડી દીધા છે.
અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરનાર વિશ્વનો નવમો બોલર છે. આ ઉપરાંત, તે 500 કે તેથી વધુ વિકેટ ઝડપનાર પાંચમો સ્પિનર છે. ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ શ્રીલંકાના મુથૈયા મુરલીધરન (800)એ લીધી હતી. શેન વોર્ન (708) બીજા સ્થાને છે અને જેમ્સ એન્ડરસન (695*) હાલમાં ત્રીજા સ્થાને છે. અનિલ કુંબલે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. કુંબલેએ 132 ટેસ્ટ મેચમાં 619 વિકેટ લીધી હતી. તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 10/74 હતું.
સૌથી ઝડપી 500 વિકેટ
1. મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) – 87 ટેસ્ટમાં
2. આર. અશ્વિન (ભારત) - 98 ટેસ્ટમાં
3. અનિલ કુંબલે (ભારત) - 105 ટેસ્ટમાં
4. શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા) - 108 ટેસ્ટમાં
5. ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા) - 110 ટેસ્ટમાં
તમિલનાડુના આ સ્પિનરે નવેમ્બર 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે દિલ્હીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે ભારતીય ટીમનો નિયમિત સભ્ય છે. ટેસ્ટમાં તેણે 24થી ઓછી એવરેજથી વિકેટ લીધી છે. અશ્વિને 34 વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ અને આઠ વખત મેચમાં દસ કે તેથી વધુ વિકેટ લીધી છે.