ભારત-પાકિસ્તાન મેચ પહેલાં ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, સ્ટાર ખેલાડી અચાનક માંદો પડતાં ચિંતાના વાદળો ઘેરાયા
દુબઈમાં રવિવારના મહામુકાબલા પહેલાં રિષભ પંત વાયરલ તાવથી પીડિત, પ્રેક્ટિસ સેશનમાં રહ્યા દૂર, ટીમ પાસે હવે એક જ વિકેટકીપરનો વિકલ્પ.

Rishabh Pant injury update: દુબઈમાં રવિવારે 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના મહાન મુકાબલાના ઠીક પહેલાં ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના મહત્વના ખેલાડી અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અચાનક બીમાર પડ્યા છે. આ ઘટનાને કારણે ટીમ ઈન્ડિયાની ચિંતામાં વધારો થયો છે, કારણ કે હવે મેચના દિવસે ટીમ પાસે કેએલ રાહુલના રૂપમાં માત્ર એક જ વિકેટકીપર ઉપલબ્ધ રહેશે.
ભારતીય ટીમના વાઈસ કેપ્ટન શુભમન ગિલે શનિવારે 22 ફેબ્રુઆરીના રોજ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. પ્રેક્ટિસ સેશન પછી વાતચીત કરતાં શુભમન ગિલે જણાવ્યું હતું કે રિષભ પંત અચાનક બીમાર થઈ ગયો છે અને વાયરલ તાવથી પીડિત હોવાને કારણે તે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ શક્યો નથી. તાવના કારણે તેને આરામ આપવામાં આવ્યો છે.
હવે બધાની નજર એ વાત પર છે કે રિષભ પંત રવિવારની મેચ પહેલાં ફિટ થઈ જાય છે કે નહીં. જો કે, જાણકારો માને છે કે રિષભ પંતની ગેરહાજરીથી ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, કારણ કે આ મેચમાં કેએલ રાહુલ જ પ્રથમ વિકેટકીપર બેટ્સમેન તરીકે રમવાનો છે. કેએલ રાહુલે બાંગ્લાદેશ સામેની મેચમાં પણ વિકેટકીપરની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હતી, અને આ મેચમાં પણ તે જ ભૂમિકા ભજવશે તેવી શક્યતા છે.
છતાં રિષભ પંતનું બીમાર થવું ટીમ ઈન્ડિયા માટે એક ચિંતાનો વિષય જરૂર છે. જો મેચ પહેલાં અથવા મેચ દરમિયાન કેએલ રાહુલને કોઈ ઈજા થાય છે અને રિષભ પંત પણ ફિટ ન હોય, તો ટીમ ઈન્ડિયા માટે વિકેટકીપરનો વિકલ્પ શોધવો મુશ્કેલ બની શકે છે. કારણ કે આ બંને સિવાય ટીમમાં કોઈ અનુભવી વિકેટકીપર હાજર નથી. આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયા અને તેના ચાહકો એ આશા રાખી રહ્યા છે કે કેએલ રાહુલ સંપૂર્ણપણે ફિટ રહે અને રિષભ પંત પણ જલ્દીથી સ્વસ્થ થઈ જાય.
મેચની વાત કરીએ તો, વર્લ્ડ કપ 2023 પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પહેલો વનડે મુકાબલો છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એશિયા કપ 2018 પછી પહેલીવાર આ બંને ટીમો આ ફોર્મેટમાં એકબીજા સામે ટકરાશે. એશિયા કપમાં દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી બંને મેચોમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. ટીમ ઈન્ડિયા આ વખતે જીતની હેટ્રિક નોંધાવવા માટે મેદાનમાં ઉતરશે, જ્યારે પાકિસ્તાન કોઈપણ ભોગે આ મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે પ્રયત્ન કરશે.
આ પણ વાંચો....
ભારત વિ પાકિસ્તાન: ચેમ્પિયન્સ ટ્રોફીમાં મહામુકાબલો, જાણો તારીખ, સમય સહિતની A to Z વિગતો



















