ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈ કરી મોટી જાહેરાત, જાણો વનડેમાં રમશે કે પછી....
રોહિતે અગાઉ પણ સંકેત આપ્યો હતો કે તે 2027નો ODI વર્લ્ડ કપ પણ રમવા માંગે છે. તેણે કહ્યું હતું કે તે આ ખિતાબ જીતવા માટે ઉત્સુક છે.

Rohit Sharma ODI retirement news: રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમે વધુ એક મોટી જીત હાંસલ કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. ટી20 વર્લ્ડ કપ બાદ, ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પણ જીતી લીધી છે. દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો. આ જીતની ખુશી વચ્ચે, એવી અટકળો પણ ચાલી રહી હતી કે કેપ્ટન રોહિત શર્મા આ મેચ બાદ વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. જોકે, રોહિતે ટ્રોફી જીતીને આ બધી અફવાઓ પર પાણી ફેરવી દીધું છે અને સ્પષ્ટ કર્યું છે કે તે હાલમાં નિવૃત્તિ લેવાનો નથી.
ફાઇનલ મેચ પહેલાં, મીડિયા અને સોશિયલ મીડિયા પર એવી અફવાઓ વહેતી થઈ હતી કે રોહિત શર્મા આ ફાઇનલ પછી નિવૃત્તિ લેશે, પછી ભલે ટીમ જીતે કે હારે. કેટલાક લોકોનું માનવું હતું કે આ રોહિતની છેલ્લી વનડે મેચ હશે. ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ, બધાની નજર રોહિતની જાહેરાત પર હતી. પ્રેઝન્ટેશન દરમિયાન રોહિતે આ મુદ્દે કોઈ વાત ન કરી, જેના કારણે સૌની ઉત્સુકતા વધી ગઈ હતી. બાદમાં, પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટને બધાને ચોંકાવી દીધા.
પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે રોહિત જવા માટે ઊભો થયો, ત્યારે તેણે પાછું ફરીને કહ્યું, “અને હા, એક છેલ્લી વાત… હું આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો નથી. હું આ સ્પષ્ટતા કરવા માંગુ છું જેથી વધુ અફવાઓ ન ફેલાય.” રોહિતના આ નિવેદનથી ભારતીય ટીમ અને તેના ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. કેપ્ટને માત્ર ટીમને ચેમ્પિયન જ નથી બનાવી, પરંતુ ફાઇનલમાં સૌથી વધુ રન પણ બનાવ્યા અને નિવૃત્તિની અફવાઓનો પણ અંત લાવી દીધો.
🚨 ROHIT SHARMA IS COMING FOR 2027 WORLD CUP 🚨
— Tanuj Singh (@ImTanujSingh) March 9, 2025
- The Hitman Rohit Sharma is not going anywhere..!!!! 🇮🇳 pic.twitter.com/heCvXQ90nz
રોહિતે અગાઉ પણ સંકેત આપ્યો હતો કે તે 2027નો ODI વર્લ્ડ કપ પણ રમવા માંગે છે. તેણે કહ્યું હતું કે તે આ ખિતાબ જીતવા માટે ઉત્સુક છે. T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર રોહિત હજુ સુધી વનડે વર્લ્ડ કપ જીતી શક્યો નથી. વર્લ્ડ કપ 2023માં તેની કપ્તાની હેઠળ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે, રોહિતે તેના ચાહકોને આશા આપી છે કે તે વર્લ્ડ કપ 2027માં પોતાનું સપનું પૂરું કરી શકે છે.
આ પણ વાંચો.....
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની જીત પર પીએમ મોદીએ કહ્યું, 'અસાધારણ રમતના અસાધારણ પરિણામો...'



















