RCBW vs DCW: સ્મૃતિ મંધાનાની તોફાની પારી છતાં RCBને દિલ્હી સામે મળી હાર, પોઈન્ટ ટેબલની સ્થિતિ થઈ રસપ્રદ
RCBW vs DCW Match Report: દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું છે. સ્મૃતિ મંધાનાની સુકાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 25 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે RCBને સિઝનની પહેલી હાર મળી.
RCBW vs DCW Match Report: દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું છે. સ્મૃતિ મંધાનાની સુકાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 25 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે RCBને સિઝનની પહેલી હાર મળી. આ સાથે જ દિલ્હી કેપિટલ્સે સિઝનની બીજી જીત મેળવી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 195 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ સ્મૃતિ મંધાનાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 169 રન જ બનાવી શકી હતી. જોકે, RCBની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 43 બોલમાં 74 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા, પરંતુ તે ટીમને જીતની ઉંચાઈ સુધી લઈ જઈ શકી નહીં.
ઓપનરો બાદ બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા
દિલ્હી કેપિટલ્સના 194 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત સારી રહી હતી. ઓપનર સ્મૃતિ મંધાના અને સોફિયા ડિવાઈને પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 77 રન જોડ્યા હતા. સોફિયા ડિવાઈને 17 બોલમાં 23 રન બનાવ્યા હતા. આ પછી એસ. મેઘનાએ 31 બોલમાં 36 રનની ઇનિંગ રમી હતી. રિચા ઘોષે 13 બોલમાં 19 રન બનાવ્યા હતા. પરંતુ આ સિવાય બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. RCBના 7 બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા નહોતા. દિલ્હી કેપિટલ્સ માટે જેસ જોનાસન સૌથી સફળ બોલર રહી હતી. જેસ જોનાસનને 3 સફળતા મળી. મેરિજન કેપ અને અરુંધતી રેડ્ડીએ 2-2 વિકેટ લીધી હતી. શિખા પાંડેને 1 સફળતા મળી.
પોઈન્ટ ટેબલમાં 3 ટીમો બરાબરી પર
તો બીજી તરફ, દિલ્હી કેપિટલ્સની જીત પછી, પોઈન્ટ ટેબલ ખૂબ જ રોમાંચક બની ગયું છે. દિલ્હી કેપિટલ્સ ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સના સમાન 4-4 પોઈન્ટ છે. જ્યારે યુપી વોરિયર્સના 2 પોઈન્ટ છે. જ્યારે ગુજરાત જાયન્ટ્સ પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે.
સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો
આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 194 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી શેફાલી વર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ 31 બોલમાં 50 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. એલિસ કેપ્સીએ 33 બોલમાં 46 રન બનાવ્યા હતા. જ્યારે મેરિજન કેપે 16 બોલમાં 32 રન બનાવ્યા હતા. જેસ જોન્સને 16 બોલમાં 36 રનની શાનદાર ઇનિંગ રમી હતી.