મિતાલી રાજ બાદ વધુ એક મહિલા ક્રિકેટરે નિવૃતિની કરી જાહેરાત, 38 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યુ
સ્ટાર ખેલાડી રુમેલી ધરે પણ 38 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
ભારતીય મહિલા ક્રિકેટમાં એક પછી એક બે ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી છે. તાજેતરમાં જ દિગ્ગજ મિતાલી રાજે ક્રિકેટની દુનિયાને અલવિદા કહી દીધું હતું. હવે સ્ટાર ખેલાડી રુમેલી ધરે પણ 38 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન રહેલી રુમેલી ધરે બુધવારે (22 જૂન) ક્રિકેટના તમામ સ્વરૂપો (ટેસ્ટ, ODI, T20)માંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. જમણા હાથની બેટ્સમેન અને ફાસ્ટ બોલર રુમેલીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ અંગેની જાહેરાત કરી છે.
View this post on Instagram
'ક્રિકેટમાં મારી 23 વર્ષની સફર આખરે પૂરી થઈ'
રુમેલીએ પોસ્ટમાં કહ્યું, 'પશ્ચિમ બંગાળના શ્યામનગરથી શરૂ થયેલી મારી 23 વર્ષની ક્રિકેટની સફર આખરે પૂર્ણ થઈ રહી છે, હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું.' તેમણે કહ્યું, 'આ સફર ઘણી લાંબી રહી છે. જેમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. ટોચની ક્ષણ 2005 માં વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરવાની હતી.
રુમેલીએ ચાર ટેસ્ટમાં અડધી સદીની મદદથી 236 રન બનાવ્યા હતા. 2005માં ઇંગ્લેન્ડ સામે દિલ્હીમાં ડેબ્યૂ કરનાર 38 વર્ષીય રુમેલીએ આઠ ટેસ્ટ વિકેટ ઝડપી હતી. તેણે તેની છેલ્લી ટેસ્ટ 2006માં ઈંગ્લેન્ડ સામે રમી હતી.
રુમેલી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર રહી
રુમેલીએ 78 મહિલા ODI મેચોમાં 961 રન બનાવવા ઉપરાંત 63 વિકેટ લીધી હતી. તેણે 2003માં ઈંગ્લેન્ડ સામે લિંકન ખાતે ડેબ્યૂ કર્યા બાદ છ અડધી સદી ફટકારી હતી. તેણે તેની છેલ્લી વન-ડે ઈન્ટરનેશનલ મેચ 2012માં રમી હતી. બંગાળ અને અન્ય સ્થાનિક ટીમ માટે રમી ચૂકેલા રુમેલીએ 18 T20 મેચ પણ રમી જેમાં તેણે 131 રન બનાવ્યા અને 13 વિકેટ પણ લીધી. તેણે 2006માં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. રુમેલીએ 2018માં 34 વર્ષની ઉંમરે દક્ષિણ આફ્રિકા સામે ભારતની T20I ટીમમાં પુનરાગમન કર્યું અને તે જ વર્ષે બ્રેબોર્ન સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે તેણી અંતિમ T20I રમી હતી.
2005માં દક્ષિણ આફ્રિકામાં મહિલા ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમની પણ રુમેલી સભ્ય હતી. રુમેલીના કહેવા પ્રમાણે, ઈજાઓને કારણે તેની કારકિર્દીને અસર થઈ હતી, પરંતુ તેણે હંમેશા જોરદાર વાપસી કરી હતી. ઓલરાઉન્ડરે ભારતીય ક્રિકેટ બોર્ડ, તેના પરિવાર, મિત્રો અને તેણે પ્રતિનિધિત્વ કરતી તમામ ટીમોનો આભાર માન્યો હતો. બંગાળ ઉપરાંત, રુમેલી રેલવે, એર ઈન્ડિયા, દિલ્હી અને રાજસ્થાન માટે રમી હતી.