(Source: ECI/ABP News/ABP Majha)
Asia Cup 2023 : એશિયા કપ પર કોરોના વાયરસને લઈ ખતરો, શ્રીલંકાની ટીમના બે ખેલાડી કોરોના સંક્રમિત
એશિયા કપ 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ એશિયા કપ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે.
એશિયા કપ 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ એશિયા કપ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. એશિયા કપ પર સર્જાઈ રહેલા સંકટનું કારણ કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ બન્યો છે. એશિયા કપની શરૂઆત પહેલા જ યજમાન શ્રીલંકાની ટીમ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઈ છે. શ્રીલંકન ક્રિકેટ ટીમના બે ખેલાડીઓનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શ્રીલંકાના ખેલાડી અવિષ્કા ફર્નાન્ડો અને વિકેટકીપર કુસલા પરેરાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ ખેલાડીઓ એશિયા કપ માટે ટીમનો ભાગ બનશે કે કેમ તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી.
આ પહેલા પણ શ્રીલંકાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર હસરંગાનું એશિયા કપમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત છે. હસરંગા તાજેતરમાં રમાયેલી લંકા પ્રીમિયર લીગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, ઈજા હોવા છતાં હસરંગાએ રમવાનું ચાલુ રાખ્યું અને શાનદાર પ્રદર્શન કર્યું. આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવા ઉપરાંત હસરંગા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો હતો. પરંતુ હવે હસરંગાની ઈજા ગંભીર બની ગઈ છે. હસરંગાની ટુર્નામેન્ટમાંથી બહાર થવાની માહિતી એક-બે દિવસમાં મળી શકે છે.
શ્રીલંકાને પણ છેલ્લી ઘડીએ યજમાનીનો અધિકાર મળ્યો હતો. આ વર્ષે એશિયા કપની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસે હતો. પરંતુ ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનમાં ટીમ મોકલવાનો ઇનકાર કર્યો હતો. આ પછી હોસ્ટિંગને લઈને વિવાદ લાંબા સમય સુધી ચાલુ રહ્યો. જોકે, બાદમાં પાકિસ્તાનની સાથે શ્રીલંકાને યજમાનપદનો અધિકાર આપવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટની પાંચ મેચ પાકિસ્તાનમાં રમાશે, જ્યારે બાકીની મેચો શ્રીલંકામાં યોજાવાની છે. ટીમ ઈન્ડિયા પાકિસ્તાનની ધરતી પર એક પણ મેચ નહીં રમે. ફાઈનલ મેચ પણ શ્રીલંકામાં રમાવાની છે.
શ્રીલંકાને એશિયા કપમાં 6 દિવસ બાદ પ્રથમ મેચ રમવાની છે. યજમાન શ્રીલંકા 31 ઓગસ્ટે બાંગ્લાદેશ (SL vs BAN) સામે ટકરાશે. આ વખતે આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર રમાશે. પાકિસ્તાનમાં માત્ર 4 મેચ રમાશે, જ્યારે શ્રીલંકામાં ફાઈનલ સહિત કુલ 9 મેચો રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 17 સપ્ટેમ્બરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ફર્નાન્ડો અને કુસલ પરેરા કોવિડ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. ગયા વર્ષે શ્રીલંકા અને ઝિમ્બાબ્વેની વનડે સીરીઝ પહેલા ફર્નાન્ડો કોરોના સંક્રમિત જોવા મળ્યો હતો. કુસલ પરેરા પણ 2 વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી પહેલા કોરોના સંક્રમણનો શિકાર બન્યો હતો.