T20 World Cup 2021: શાર્દુલ નહીં પણ આ ખેલાડી હાર્દિક પંડ્યાને કરશે રિપ્લેસ, ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ તક મળવાનું નક્કી!
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઝડપી બોલર ભુવનેશ્વર કુમારના સ્થાને સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવાની ચર્ચા સતત ચાલી રહી છે.
નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં વિરાટ કોહલી સિવાય ભારતીય ટીમનો કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહોતો. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ સામેની આગામી મેચમાં કેટલાક મોટા ફેરફારો થવાના છે. ખાસ કરીને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પડતો મૂકવામાં આવી શકે છે. હાર્દિક હાલમાં ઇજાને કારણે બોલિંગ નથી કરતો પણ બેટિંગમાં પણ તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી.
શું આ ખેલાડી હાર્દિક પંડ્યાનું સ્થાન લેશે?
હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે માથાનો દુખાવો બની ગયો છે. હાર્દિક બેટિંગમાં કંઈ ખાસ કરી શકતો નથી ઇજાને કારણે તે બોલિંગ પણ કરતો નથી. પસંદગીકારોએ વર્લ્ડ કપની શરૂઆત પહેલા કહ્યું હતું કે હાર્દિકને બેટ્સમેન તરીકે નીચલા ક્રમમાં સ્થાન આપવામાં આવશે. પરંતુ હાર્દિક એ કામ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. આવી સ્થિતિમાં, આગામી મેચમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલ ઈશાન કિશન તેનું સ્થાન લઈ શકે છે. ઈશાને ઈંગ્લેન્ડ સામેની વોર્મ અપ મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી. આ સિવાય IPLમાં પણ ઈશાને શાનદાર બેટિંગ કરી હતી. આવી સ્થિતિમાં વિરાટ કોહલી આગામી મેચમાં ઈશાનને તક આપી શકે છે.
શાર્દુલ ભુવીનું પત્તુ કાપી શકે છે
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઝડપી બોલર ભુવનેશ્વર કુમારના સ્થાને સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવાની ચર્ચા સતત ચાલી રહી છે. શાર્દુલ બોલ અને બેટ બંનેમાં સારું પ્રદર્શન કરવામાં સક્ષમ છે. તેણે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે પણ ઘણી વખત બતાવ્યું કે તેને ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો ગેમ ચેન્જર કેમ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આવા મજબૂત ખેલાડીને ટીમની બહાર રાખવાથી નુકસાન થઈ શકે છે. તેને ન્યુઝીલેન્ડ સામેની આગામી મેચમાં ભુવનેશ્વરની જગ્યાએ પ્લેઇંગ 11માં પણ જગ્યા આપવામાં આવી શકે છે.
હાર્દિકને ઈજા થઈ હતી
તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાને પણ પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં ખભામાં ઈજા થઈ હતી. શાહીન આફ્રિદીનો એક બોલ સીધો હાર્દિકના ખભા પર વાગ્યો હતો. જેના કારણે તે આખી મેચમાં ફિલ્ડિંગ માટે બહાર આવ્યો ન હતો. આ ટૂર્નામેન્ટ પહેલા પણ હાર્દિક સંપૂર્ણ રીતે ફિટ નહોતો, તેથી વિરાટ તેને મેચમાં લેવાનું જોખમ ટાળવા માંગે છે. હાર્દિકની જગ્યાએ ઈશાન કિશન 5-6 નંબર પર સારી બેટિંગ કરી શકે છે.