T20 World Cup: ઇગ્લેન્ડે તોડ્યા અનેક રેકોર્ડ, ફક્ત 19 બોલમાં ઓમાનને હરાવ્યું
T20 World Cup ENG vs OMA Highlights: આ પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના નામે હતો. શ્રીલંકાએ 2014માં નેધરલેન્ડને 100 બોલ બાકી રહેતાં હરાવ્યું હતું.
T20 World Cup ENG vs OMA Highlights: ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup) 2024માં ઈંગ્લેન્ડે (England) ઓમાન (Oman) પર રેકોર્ડબ્રેક જીત નોંધાવી છે. કરો યા મરો મેચમાં ઇગ્લેન્ડની ટીમે ઓમાનને માત્ર 19 બોલમાં હરાવ્યું હતું. બટલર એન્ડ કંપનીએ પહેલા ઓમાનને માત્ર 47 રનમાં જ રોકી દીધું હતું. ત્યારબાદ 101 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બોલ બાકી રહેવાની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીતનો રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના નામે હતો. શ્રીલંકાએ 2014માં નેધરલેન્ડને 100 બોલ બાકી રહેતાં હરાવ્યું હતું.
🏴 ENGLAND WIN! 🏴#EnglandCricket | #ENGvOMA pic.twitter.com/lJ7AyisGVb
— England Cricket (@englandcricket) June 13, 2024
આ જીત સાથે ઈંગ્લેન્ડની T20 વર્લ્ડ કપના સુપર-8માં પહોંચવાની આશા મજબૂત થઈ ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ હવે તેના ગ્રુપ બીમાં 3 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને આવી ગઈ છે. માત્ર ઓસ્ટ્રેલિયા (6) અને સ્કોટલેન્ડ (5)ના ઈંગ્લેન્ડ કરતાં વધુ પોઈન્ટ છે. નામિબિયા 2 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ઓમાન (0) ટીમ તેની ચારેય મેચ હારી ગઈ હતી અને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું પણ ખોલી શકી નથી.
તે સ્પષ્ટ છે કે સુપર-8ની રેસમાં ટકી રહેવા માટે ઈંગ્લેન્ડને માત્ર જીતની જરૂર નથી, પરંતુ તેનું માર્જિન પણ મોટું હોવું જોઈએ. ત્યારે જ તે નેટ રન રેટમાં સ્કોટલેન્ડને પાછળ છોડી દેશે. ઈંગ્લેન્ડે પણ એવું જ કર્યું. તેણે ઓમાનને માત્ર 13.2 ઓવરમાં 47 રનમાં ઓલઆઉટ કરી દીધું. આ પછી તેણે માત્ર 3.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ જીત બાદ તેને પોઈન્ટ ટેબલમાં 3 પોઈન્ટનો ફાયદો થયો છે. ઈંગ્લેન્ડનો નેટ રન રેટ (3.081) પણ હવે સ્કોટલેન્ડ (2.164) કરતા સારો છે.
આદિલ રાશિદ પ્લેયર ઓફ ધ મેચ
આ મેચમાં ઇંગ્લેન્ડ માટે લેગ સ્પિનર આદિલ રાશિદે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરના સ્પેલમાં 11 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. જોફ્રા આર્ચર અને માર્ક વૂડે 12-12 રનમાં 3-3 વિકેટ લીધી હતી. ઓમાન તરફથી માત્ર શોએબ ખાન (11) જ ડબલ ફિગર સુધી પહોંચી શક્યો હતો.
સોલ્ટે ઇનિંગના પ્રથમ બે બોલ પર સિક્સર ફટકારી હતી.
આસાન લક્ષ્યનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડે તોફાની શરૂઆત કરી હતી. IPLમાં KKR તરફથી રમતા ઓપનર ફિલ સોલ્ટ (12)એ પહેલા બે બોલ પર સિક્સર ફટકારી હતી અને ત્રીજા બોલ પર આઉટ થયો હતો. કેપ્ટન જોસ બટલરે 8 બોલમાં 24 રનની અણનમ ઇનિંગ રમી હતી. જોની બેયરસ્ટોએ 2 બોલમાં 8 રન બનાવ્યા હતા. વિલ જેક્સ 5 રન બનાવીને આઉટ થયો હતો.