T20 World Cup: ભારત આજે ઈંગ્લેન્ડ સામે રમશે પ્રેક્ટિસ મેચ, જાણો કેવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
T20 World Cup: ભારતીય ટીમના ઓપનિંગ કોમ્બિનેશનમાં પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. રોહિત શર્મા સાથે કે.એલ.રાહુલ કે ઈશાન કિશન કોણ બેટિંગ કરશે તે નક્કી નથી.
T20 World Cup: T20ના સુપર-12ના મુકાબલા શરૂ થઈ ગયા છે અને ગઈકાલે એક મોટો ઉલટફેર પણ જોવા મળ્યો છે. સ્કોટલેંડની ટીમે બાંગ્લાદેશની મજબૂત ટીમને 6 રનથી હાર આપી હતી. આ દરમિયાન આજે ભારતની ટીમ ઈંગ્લેન્ડ સામે પ્રેક્ટિસ મેચ રમશે. ભારતીય ટીમના કોમ્બિનેશનને લઈ ક્રિકેટ જાણકારો અને ચાહકોમાં ભારે ઉત્સુકતા રહેતી હોય છે.
ટી-20 વર્લ્ડકપમાં ભારતની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે કટ્ટર હરિફ પાકિસ્તાન સામે છે. જે પહેલા ભારતે બે પ્રેક્ટિસ મેચ રમવાની છે. ઈંગ્લેન્ડ સામેની મેચ બાદ ભારત 20 ઓક્ટોબરે દુબઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે.
હાર્દિક પંડ્યા પર નજર
ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે જણાવ્યું છે કે, જો હાર્દિક પંડયા પ્રેક્ટિસ મેચમાં બોલિંગ કરે તો જ તેને ભારતે પ્લેઈંગ ઈલેવનમાં સમાવવો જોઈએ. હાર્દિક પંડયાએ ૨૦૧૯માં પીઢની સર્જરી કરાવી હતી. જે પછી તે ક્રિકેટમાં પાછો ફર્યો છે. જોકે તે નિયમિત રીતે બોલિંગ કરતો જોવા મળ્યો નથી. ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં ભારતે તેને ઓલરાઉન્ડર તરીકે પસંદ કર્યો છે, પણ તે બોલિંગ કરી શકતો ન હોવાથી ભારતીય ક્રિકેટ વર્તુળોમાં પ્રશ્નાર્થ સર્જાયો છે. હાર્દિકની બોલિંગ અંગેની અનિશ્ચિતતાને પગલે પસંદગીકારોએ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાંથી દૂર કરીને શાર્દૂલ ઠાકુરને તક આપી છે.
ઓપનિંગમાં કોણ ?
ભારતીય ટીમના ઓપનિંગ કોમ્બિનેશનમાં પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. રોહિત શર્મા સાથે કે.એલ.રાહુલ કે ઈશાન કિશન કોણ બેટિંગ કરશે તે નક્કી નથી. ટીમ અગાઉ રાહુલને મીડલ ઓર્ડરમાં ઉતારવાનો વ્યૂહ અપનાવી ચુકી છે. તેથી ભારત રોહિત-કિશાનને ઓપનિંગમાં અને રાહુલને લો-મીડલ ઓર્ડરમાં ઉતારીને બેટિંગ વધુ મજબૂત કરી શકે છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ બે પ્રેક્ટિસ મેચમાં ખેલાડીઓને અજમાવશે.
આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કે.એલ.રાહુલ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી