(Source: ECI/ABP News/ABP Majha)
T20 WC: પાકિસ્તાન સામે ઝીરોમાં ઉડેલા રોહિત શર્માને હવે પછી વર્લ્ડ કપમાં નહીં રમાડાય ? જાણો કોહલીએ આપ્યો શું જવાબ ?
મીડિયાના સવાલના જવાબ આપવા કોહલી પહોંચ્યો ત્યારે નાખુશ નજરે પડ્યો હતો. એક પત્રકારે જ્યારે રોહિતને લઈ સવાલ પૂછ્યો કે ઝીરો પર આઉટ થયેલા રોહિતને હવે વર્લ્ડકપમાં નહીં રમાડાય ? જેના પર તે અકળાઈ ગયો હતો
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે રમાયેલા ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની 10 વિકેટથી કારમી હાર થઈ હતી. આ મેચમાં ભારતીય ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલ સારી શરૂઆત અપાવી શક્યા નહોતા. રોહિત શર્મા ઝીરો રનમાં આઉટ થયો હતો. જે બાદ મીડિયાના સવાલનો જવાબ આપતાં કોહલી ભડક્યો હતો.
મેચ પૂરી થયા બાદ જ્યારે મીડિયાના સવાલના જવાબ આપવા ભારતીય કેપ્ટન પહોંચ્યો ત્યારે નાખુશ નજરે પડ્યો હતો. એક પત્રકારે જ્યારે રોહિતને લઈ સવાલ પૂછ્યો કે ઝીરો પર આઉટ થયેલા રોહિતને હવે વર્લ્ડકપમાં નહીં રમાડાય ? જેના પર તે અકળાઈ ગયો હતો અને તેણે સામો પ્રશ્ન કર્યો હતો. પત્રકારે પૂછ્યું હતું કે ઈશાને વોર્મ અપ મેચમાં સારો દેખાવ કર્યો હતો. તમને એવું નથી લાગતું કે કેટલીક ચીજોમાં તે રોહિત શર્માથી સારો છે.
વિરાટ સવાલ સાંભળીને ભડક્યો હતો અને કહ્યું, આ ખૂબ જ બહાદુરીભર્યો સવાલ છે. તમને શું લાગે છે સર ટીમ કેવી હોવી જોઈએ. મને જે સારું લાગ્યું તેની સાથે હું મુકાબલો રમ્યો. તમારો શું અભિપ્રાય છે. શું તમે રોહિત શર્માને ટી20 ઈન્ટરનેશનલ મેચથી બહાર કરી દેશો. શું તમે પંતને પણ બહારનો રસ્તો દેખાડશો. અન્ય એક પત્રકારના સવાલનો જવાબ આપતાં કોહલીએ કહ્યું, તમને ખબર છે કમાલની વાત શું છે અને બહારના લોકો શું વિચારે છે. મારી તો ઈચ્છા હતી કે કદાચ તે લોકો કિટ લઈને મેદાન પર ઉતરીને જુએ તો ખબર પડે કે દબાણ કેવું હોય છે. આ વાતનો સ્વીકાર કરવામાં કોઈ પ્રકારની શરમ નથી કે વિરોધી ટીમે તમારાથી શાનદાર રમત બતાવી હતી.તેમણે અમને રમતમાં ફરવાની એક પણ તક નહોતી આપી.
પાકિસ્તાનનું સેમી ફાઈનલમાં પહોંચવાનું નક્કી
ભારતને પ્રથમ મુકાબલામાં હરાવ્યા બાદ ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સામે સૌપ્રથમ જીત મેળવી હતી. ગઈકાલે ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને પાકિસ્તાને બીજી જીત મેળવી અને 4 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે. હવે બાકીની મેચ તેણે અફઘાનિસ્તાન, નામીબીયા અને સ્કોટલેંડ સામે રમવાની છે. પાકિસ્તાન ટીમનું વર્તમાન ફોર્મ જોતાં તમામ મેચ જીતીને સેમી ફાઈનલમાં પહોંચી શકે છે.