IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાની 59 રનની અડધી સદીની મદદથી 175 રનનો સ્કોર બનાવ્યો હતો

IND vs SA: ભારતે પહેલી ટી-20 મેચ 101 રનના રેકોર્ડ માર્જિનથી જીતી હતી. કટકમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાની 59 રનની અડધી સદીની મદદથી 175 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકા 74 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારતીય ટીમે આ મેચમાં એક મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યો, જ્યારે હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે ઇતિહાસના પુસ્તકોમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની પહેલી ટી-20માં અહીં પાંચ રેકોર્ડ તૂટ્યા છે.
ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની પહેલી T20Iમાં પાંચ રેકોર્ડ તૂટ્યા
જસપ્રીત બુમરાહની વિકેટની સદી: જસપ્રીત બુમરાહ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં 100 વિકેટ લેનાર માત્ર બીજો ભારતીય બોલર બન્યો હતો. તેણે તેની ટી-20 કારકિર્દીની 78મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી. તેના પહેલા અર્શદીપ સિંહ ભારત માટે T20Iમાં 100 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો હતો.
T20 માં 100 સિક્સ ફટકારનાર ચોથો ભારતીય: હાર્દિક પંડ્યા આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં 100 સિક્સ ફટકારનાર ચોથો ભારતીય બન્યો છે. તેના પહેલા રોહિત શર્મા (205), સૂર્યકુમાર યાદવ (155) અને વિરાટ કોહલી (124) એ આ સિદ્ધિ મેળવી છે.
દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી સૌથી મોટી જીત: ભારતે કટકમાં દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવ્યું. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ ઇતિહાસમાં દક્ષિણ આફ્રિકા સામે આ ભારતની ત્રીજી સૌથી મોટી જીત છે. તે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે ભારતની સૌથી મોટી જીત પણ છે.
તિલક વર્માએ સૌથી ઓછી ઉંમરમાં પુરા કર્યા 1,000 રનઃ તિલક વર્મા 25 વર્ષથી ઓછી ઉંમરમાં 1000 ટી-20 રન પુરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે 23 વર્ષ અને 31 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.
હાર્દિકનું તોફાન: 12 ઓવર પછી બદલાઈ મેચ
મેચની શરૂઆતમાં ભારતીય ટોપ ઓર્ડર સંઘર્ષ કરતું જોવા મળ્યું હતું. કેપ્ટન સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ અને અભિષેક શર્મા મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. એક સમયે ટીમનો સ્કોર 12 ઓવરમાં 4 વિકેટે માત્ર 80 રન હતો. તે સમયે એવું લાગતું હતું કે ભારત નાના સ્કોર પર સમેટાઈ જશે. પરંતુ હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી લીધી. તેણે માત્ર 28 બોલમાં અણનમ 59 રન ફટકારીને મેદાનની ચારે તરફ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી. હાર્દિકની આક્રમક બેટિંગને કારણે ભારતે છેલ્લી 8 ઓવરમાં 95 રન ઉમેરીને કુલ સ્કોર 175 સુધી પહોંચાડ્યો હતો.




















