Team India Selectors: કોઇએ રમી છે એક મેચ, કોઇએ ફટકારી 27 સદી, જાણો કોણ છે ટીમ ઇન્ડિયાના નવા સિલેક્ટર્સ?
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ નવી પસંદગી સમિતિની જાહેરાત કરી છે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ નવી પસંદગી સમિતિની જાહેરાત કરી છે. ચેતન શર્માને ફરી વખત પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યા છે. BCCIએ ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિને હટાવી દીધી હતી. હવે ચેતન શર્મા ફરીથી મુખ્ય પસંદગીકાર બની ગયા છે.
બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ, દરેક બાબતની તપાસ કર્યા પછી અને કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) એ વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે 11 લોકોને શોર્ટલિસ્ટ કર્યા હતા. વ્યક્તિગત ઇન્ટરવ્યુના આધારે પાંચ સભ્યોની પસંદગી કરવામાં આવી હતી. પાંચ સભ્યોની સમિતિમાં ચેતન શર્મા સિવાય નવા ચહેરા છે.
(1) ચેતન શર્માઃ ઝડપી બોલર ચેતન શર્માએ ભારત માટે 23 ટેસ્ટ અને 65 વનડે રમી હતી અને તે આ પાંચ સભ્યોની ટીમમાં સૌથી અનુભવી ખેલાડી છે. ચેતન શર્માએ ટેસ્ટમાં 61 જ્યારે વનડેમાં 67 વિકેટ ઝડપી હતી. 1987ના વર્લ્ડકપમાં ચેતન શર્માએ ન્યૂઝીલેન્ડ સામે યાદગાર હેટ્રિક લીધી હતી જે આજે પણ ચાહકોના મનમાં છે.
(2) શિવ સુંદર દાસ: ભારતના ભૂતપૂર્વ ઓપનર શિવ સુંદર દાસે 23 ટેસ્ટ અને ચાર વનડે રમી છે. ટેસ્ટ મેચમાં શિવ સુંદર દાસે 34.89ની એવરેજથી 1326 રન બનાવ્યા, જેમાં બે સદી અને નવ અડધી સદી સામેલ છે. જોકે, શિવસુંદર વનડેમાં 13ની એવરેજથી માત્ર 39 રન જ બનાવી શક્યો હતો. શિવ સુંદર દાસ ભારતીય મહિલા ટીમના બેટિંગ કોચ રહી ચૂક્યા છે.
(3) સુબ્રતો બેનર્જીઃ પટનામાં જન્મેલા સુબ્રતો બેનર્જીએ વર્ષ 1991માં ભારતીય ટીમમાં જગ્યા બનાવી હતી અને તે પછીના વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેઓ ટેસ્ટ ડેબ્યૂ કરવામાં સફળ રહ્યા હતા. સુબ્રતોએ ભારત માટે એક ટેસ્ટ અને છ વનડે રમી હતી. મધ્યમ ગતિના બોલર સુબ્રતો બેનર્જીએ આ સમયગાળા દરમિયાન ટેસ્ટમાં ત્રણ અને વનડેમાં પાંચ વિકેટ ઝડપી હતી.
4) સલિલ અંકોલાઃ સચિન તેંડુલકર અને સલિલ અંકોલાએ વર્ષ 1989માં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. સચિને 200 ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ સલિલ અંકોલા માત્ર એક ટેસ્ટ અને 20 વનડે રમી શક્યો હતો. જમણા હાથના ઝડપી બોલર સલીલે ટેસ્ટમાં બે વિકેટ અને વન-ડે ઈન્ટરનેશનલમાં 13 વિકેટ લીધી હતી. મુંબઈ ટીમના સિલેક્ટર રહેલા સલીલે 59 ફર્સ્ટ ક્લાસ મેચમાં 135 વિકેટ અને 49 લિસ્ટ A મેચમાં 54 વિકેટ ઝડપી હતી.
5) શ્રીધરન શરથઃ શ્રીધરન શરથે ભારત માટે એક પણ મેચ રમી નથી. જો કે શરથે તમિલનાડુ માટે ઘરેલુ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા હતા. શરથે 139 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 51.17ની એવરેજથી 8700 રન બનાવ્યા, જેમાં 27 સદી અને 42 અડધી સદી સામેલ છે અને લિસ્ટ-એમાં શરથે 44.28ની એવરેજથી 3366 રન બનાવ્યા છે. લિસ્ટ-એમાં શરથે ચાર સદી અને 20 અડધી સદી ફટકારી હતી.