INDW vs WIW: સ્મૃતિ મંધાનાની અડધી સદી, ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝની 56 રનથી હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. યાસ્તિકા ભાટિયા અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે 33 રન જોડ્યા હતા
Smriti Mandhana INDW vs WIW T20I Match: ભારતે દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી ત્રિકોણીય મહિલા ટી-20 સીરિઝમાં સતત બીજી જીત મેળવી છે. 23 જાન્યુઆરીએ રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 56 રનથી હરાવ્યું હતું. સ્મૃતિ મંધાનાએ ભારતીય મહિલા ટીમને મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે શાનદાર બેટિંગ કરતા 74 રનની અણનમ ઇનિંગ રમી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે 167 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ 20 ઓવરમાં ચાર વિકેટે 111 રન જ બનાવી શકી હતી.
For her excellent unbeaten 7️⃣4️⃣*(51) in the first innings, vice-captain @mandhana_smriti bagged the Player of the Match award as #TeamIndia clinched their second win of the Tri-Series with a 56-run victory over West Indies 👏
— BCCI Women (@BCCIWomen) January 24, 2023
Scorecard ▶️ https://t.co/tNMO0AAnzm#INDvWI pic.twitter.com/Y9QoRSLtdS
મંધાનાએ વિસ્ફોટક અડધી સદી
ઈસ્ટ લંડનમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. યાસ્તિકા ભાટિયા અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે 33 રન જોડ્યા હતા. યાસ્તિકા 18 રન બનાવીને આઉટ થઇ હતી. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલી હરલીન દેઓલ કંઈ ખાસ કરી શકી ન હતી અને 12 રન બનાવીને આઉટ થઇ હતી. આ પછી સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત કૌરે સ્થિતિ સંભાળી હતી. આ બંન્નેએ સદીની ભાગીદારી કરીને ભારતનો સ્કોર 167 સુધી પહોંચાડ્યો હતો. સ્મૃતિએ જોરદાર બેટિંગ કરતાં 51 બોલમાં 74 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે હરમનપ્રીત કૌર 35 બોલમાં 56 રન બનાવીને નોટઆઉટ રહી હતી.
જીત માટે 168 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં ચાર વિકેટે 111 રન જ બનાવી શકી હતી. ભારતની જોરદાર બોલિંગ સામે વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનો કાંઇ ખાસ કરી શક્યા નહોતા. ભારત તરફથી શિખા પાંડે, રાજેશ્વરી ગાયકવાડ અને રાધા યાદવે સારી બોલિંગ કરી હતી. ત્રણેય બોલરોએ મળીને 12 ઓવરમાં માત્ર 44 રન આપ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી દીપ્તિ શર્માએ 2 જ્યારે રાધા યાદવ અને રાજેશ્વરી ગાયકવાડે 1-1 વિકેટ મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શામન કેમ્પબેલે 47 અને હેલી મેથ્યુસે 34 રન બનાવ્યા હતા. મેચમાં 74 રનની ધમાકેદાર ઇનિંગ રમનાર સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.