IPLના તોફાની બેટ્સમેન રાહુલ ત્રિપાઠીને ટીમ ઈંડિયામાં સ્થાન ના મળતાં નિરાશ થયા સહેવાગ અને ભજ્જી, જાણો શું કહ્યું
IPL પછી તરત એટલે કે 9 જૂનથી 19 જૂન સુધી, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાશે.
IPL પછી તરત એટલે કે 9 જૂનથી 19 જૂન સુધી, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાશે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે IPLમાં શાનદાર પ્રદર્શન કરનારા કેટલાક યુવા ખેલાડીઓને તક મળી છે. જો કે કેટલાક એવા ખેલાડીઓ પણ છે જેમણે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ તેઓ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શક્યા નથી. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન રાહુલ ત્રિપાઠીનું નામ સૌથી આગળ છે.
રાહુલ ત્રિપાઠીએ આઈપીએલની આ સિઝનમાં 14 મેચોમાં 37.55ની બેટિંગ એવરેજ અને 158.24ના સ્ટ્રાઈક રેટથી 413 રન બનાવ્યા છે. બેટિંગ એવરેજ અને સ્ટ્રાઈક રેટના મામલે તે ઈશાન કિશન, રુતુરાજ ગાયકવાડ, દીપક હુડા, ઋષભ પંત, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર સહિતના ઘણા ખેલાડીઓથી ઘણો આગળ હતો, પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયામાં તેની પસંદગી થઈ ન હતી. પસંદગીકારોના આ નિર્ણયથી ક્રિકેટ ચાહકો તો આશ્ચર્યચકિત થયા જ, સાથે સાથે ભૂતપૂર્વ ક્રિકેટરો પણ આશ્ચર્યમાં મુકાયા છે.
રાહુલ ત્રિપાઠીને સ્થાન ન મળવા મુદ્દે પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે ટ્વીટ કર્યું, 'રાહુલ ત્રિપાઠીનું નામ ટીમમાં ન હોવાથી ખૂબ નિરાશ થયો. તે એક તકને લાયક હતો. આ સાથે આકાશ ચોપરાએ પંજાબ-સનરાઈઝર્સ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતા કહ્યું કે, રાહુલ ત્રિપાઠી આઈપીએલમાં મારો ફેવરિટ અનકેપ્ડ પ્લેયર છે. મને આશ્ચર્ય છે કે તેને ટીમ ઈન્ડિયામાં તક આપવામાં આવી નથી.
Disappointed to not see Rahul Tripathi’s name in the squad. He deserved a chance.
— Harbhajan Turbanator (@harbhajan_singh) May 22, 2022
બીજી તરફ વીરેન્દ્ર સેહવાગે રાહુલ ત્રિપાઠીની સરખામણી સૂર્યકુમાર યાદવ સાથે કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે છેલ્લા કેટલાક વર્ષોમાં આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ સૂર્યાને ગયા વર્ષે ભારતીય ટીમ માટે રમવાની તક મળી હતી. બાદમાં તેની ટી20 વર્લ્ડ કપ ટીમ માટે પણ પસંદગી કરવામાં આવી હતી. સહેવાગે ક્રિકબઝને કહ્યું કે, મને લાગે છે ગયા વર્ષે આપણે સુર્યકુમાર યાદવ માટે પણ આમ કહી રહ્યા હતા. ધૈર્ય રાખવું એક ગુણ છે.