WC: સૂર્યા ઇજાગ્રસ્ત, કિશનને મધમાખી કરડી, શું ન્યૂઝીલેન્ડ સામે આજે ભારતનો 'વિજય રથ' રોકાઇ જશે ?
આઇસીસી વનડે વર્લ્ડકપમાં આજે એક મોટી મેચ પર સૌની નજર છે, આજે બે દિગ્ગજ અને ફોર્મમાં ચાલી રહેલી ટીમો વચ્ચે કાંટે કી ટક્કર જામશે.
World Cup 2023 IND vs NZ: આઇસીસી વનડે વર્લ્ડકપમાં આજે એક મોટી મેચ પર સૌની નજર છે, આજે બે દિગ્ગજ અને ફોર્મમાં ચાલી રહેલી ટીમો વચ્ચે કાંટે કી ટક્કર જામશે. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ધર્મશાલામાં એક શાનદાર મેચ રમાશે. આ મેચને શાનદાર મેચ કહેવું યોગ્ય છે કારણ કે બંને ટીમો વર્લ્ડકપ 2023માં ધાંસૂ પ્રદર્શન કરી રહી છે અને અત્યાર સુધી રમાયેલી તમામ મેચો જીતી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાર-ચાર મેચ રમાઈ છે અને તે તમામમાં જીત મેળવી છે. રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઈન્ડિયાને આ મેચમાં આકરી સ્પર્ધાનો સામનો કરવો પડશે, પરંતુ હાર્દિક પંડ્યાની ગેરહાજરી તેના માટે મુશ્કેલી વધી શકે છે. આ સાથે સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન અંગે પણ રિપોર્ટ સારા નથી રહ્યાં.
પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો સૂર્યા, ઇશાનને મધમાખીએ માર્યો ડંખ
ટીમ ઈન્ડિયાનો ખેલાડી સૂર્યકુમાર યાદવ શનિવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે થોડો સમય નેટની બહાર રહ્યો, પરંતુ ફિઝિયોને મળ્યા પછી તેને પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેને ઈજા થઇ તે નક્કી છે. હાલમાં ટીમ ઈન્ડિયા તરફથી લેટેસ્ટ અપડેટ પ્રાપ્ત થયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈશાન કિશનને મધમાખીએ ડંખ માર્યો હતો, અને તેની હાલ શું સ્થિતિ છે તે અંગે પણ અપડેટ મળ્યુ નથી.
ભારત પર ભારે ના પડી જાય ન્યૂઝીલેન્ડ ટીમ
ન્યૂઝીલેન્ડે આ વર્લ્ડકપમાં અત્યાર સુધી 4 મેચો રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. તે પૉઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને હરાવ્યું છે. કૉનવે માટે સારુ છે કે, તેના ખેલાડીઓ ફૉર્મમાં છે, કૉનવેએ 4 મેચમાં 249 રન બનાવ્યા છે. રચિન રવિન્દ્રએ પણ સારું પ્રદર્શન કર્યું છે. બૉલિંગ યૂનિટની વાત કરીએ તો તે પણ ખૂબ જ મજબૂત છે. મિચેલ સેન્ટનર અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બૉલર છે. તેથી ભારત માટે જીત આસાન નહીં હોય.
અત્યાર સુધી કેવી રહી ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચની સફર
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 116 વનડે મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 58 મેચ જીતી છે. જ્યારે ન્યૂઝીલેન્ડે 50 મેચ જીતી છે. 7 મેચમાં પરિણામ મળી શક્યું ન હતું અને એક મેચ ટાઈ હતી. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો ભારતનો હાથ ઉપર હોવાનું જણાય છે. ભારતે આ વર્ષે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું હતું. આ મેચ ઈન્દોરમાં રમાઈ હતી.