આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20, ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ બ્રૉડકાસ્ટિંગ, જાણો વિગતે
આજથી 17 નવેમ્બરથી ન્યુઝીલેન્ડ સામે શરૂ થઇ રહેલી ત્રણ મેચની T20 સીરીઝ અને બે મેચોની ટેસ્ટ સીરીઝમાં મોટા ફેરફાર થશે
મુંબઈઃ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021 ખતમ થયા બાદ આજે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો ફરી એકવાર આમને સામને ટકરાશે. એકબાજુ ખરાબ પ્રદર્શન બાદ રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનુ નેતૃત્વ કરી રહ્યો છે, તો બીજીબાજુ ફાઇનલમાં હાર બાદ કેન વિલિયમસનની જગ્યાએ ટિમ સાઉદી કીવી ટીમને સંભાળી રહ્યો છે. આજથી બન્ને ટીમો વચ્ચે ત્રણ ટી20 મેચોની પ્રથમ ટી20 મેચ જયપુરમાં રમાશે, બન્ને ટીમોમાં ધરખમ ફેરફાર થવાની સંભાવના છે, જોકે, બન્ને ટીમોના કેપ્ટનો પહેલાથી જ બદલાઇ ચૂક્યા છે. આજથી 17 નવેમ્બરથી ન્યુઝીલેન્ડ સામે શરૂ થઇ રહેલી ત્રણ મેચની T20 સીરીઝ અને બે મેચોની ટેસ્ટ સીરીઝમાં મોટા ફેરફાર થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંગળવારે 16 સભ્યોની ટીમની જાહેરાત પણ કરી દીધી છે. આ ટીમમાં સાત નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતીય ટીમના હેડ કોચ નિમાયેલા રાહુલ દ્રવિડની આ પહેલી સીરિઝ છે ત્યારે દ્રવિડ ન્યૂઝીલેન્ડ સામે ‘ગુજરાતવાળી’ કરશે એવો સંકેત બોર્ડનાં સૂત્રોએ આપ્યો છે. આ ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્મા છે જ્યારે કે.એલ. રાહુલ ટીમનો વાઇસ કેપ્ટન છે. દ્રવિડ રોહિત શર્મા અને રાહુલને બાદ કરતાં બાકીના તમામ નવા ખેલાડીને રમાડવા માગે છે. વર્લ્ડ કપમાં રમનારા કેટલાક અપવાદને બાદ કરતાં બાકીના નવા ખેલાડી હશે. ટીમના 11 ખેલાડીમાંથી 7 નવા ચહેરા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ન્યુઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝમાં રાહુલ સાથે વેંકટેશ ઐયર ઓપનિંગ કરશે. રોહિત શર્મા વન ડાઉન અને શ્રેયસ ઐયર ચોથા નંબરે આવશે. રૂતુરાજ ગાયકવાડ પાંચમા નંબરે આવશે જ્યારે વિકેટકીપર તરીકે ઋષભ પંત નહીં પણ ઈશાન કિશન હશે. ઈશાન કિશન છઠ્ઠા નંબરે આવશે. સાતમા નંબરે અક્ષર પટેલ અને આઠમા નંબરે નંબરે આર અશ્વિન હશે. અવેશ ખાન, હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજ એ ત્રણ ફાસ્ટરને રાહુલ રમાડવા માગે છે કે જેથી ભવિષ્ય માટે તેમને તૈયાર કરી શકાય.
દ્રવિડ વેંકટેશ અય્યર અને હર્ષલ પટેલને ન્યુઝીલેન્ડ સામે તક આપવા મકક્મ છે. આ બંને ખેલાડીઓએ IPL 2021માં શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોને પ્રભાવિત કર્યા છે. IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા વેંકટેશ અય્યરે 10 મેચમાં 370 રન બનાવ્યા અને 3 વિકેટ લીધી. તેણે ઘણી મેચોમાં ટીમને જીત અપાવી હતી. બીજી તરફ હર્ષલ પટેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા 15 મેચમાં 32 વિકેટ ઝડપી હતી. તે IPL 2021માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
કઇ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ-
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી20 સીરીઝ અને ટેસ્ટ સીરીઝની મેચો સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પરથી જોઇ શકાશે, જેમાં Star Sports 1, Star Sports 1 HD, Star Sports 3 અને Star Sports 3 HD, and DD Sports પરથી મેચનુ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ સાંજે 7 વાગ્યાથી થશે.
ન્યુઝીલેન્ડ સામેની સીરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ-
ટી20 સીરીઝ-
પ્રથમ ટી20, 17 નવેમ્બર, જયપુર
બીજી ટી20, 19 નવેમ્બર, રાંચી
ત્રીજી ટી20, 21 નવેમ્બર, કોલકાતા
ટેસ્ટ સીરીઝ-
પ્રથમ ટેસ્ટ, 25-29 નવેમ્બર, કાનપુર
બીજી ટેસ્ટ, 3-7 ડિસેમ્બર, મુંબઈ
ન્યુઝીલેન્ડ સામેની ટીમ ઈન્ડિયાની 16 સભ્યોની ટીમ-
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (ડબ્લ્યુકે), વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.