IPL 2025: રસેલ, રિંકૂ અને ઐય્યર, 50 કરોડના ખેલાડી પરંતુ પરફોમન્સ ઝીરો
એવા ત્રણ ખેલાડીઓ વિશે જણાવીએ જેમના પર કોલકત્તાએ લગભગ 50 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માં કોલકત્તા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચમાં અજિંક્ય રહાણેની કોલકાતાને ઘરઆંગણે વધુ એક શરમજનક હારનો સામનો કરવો પડ્યો. છેલ્લી મેચમાં 112 રનના નાના સ્કોરનો પીછો ન કરી શકનાર કોલકાતા સામે આ મેચમાં 199 રનનો લક્ષ્યાંક હતો. પરંતુ અનુભવી અને મોટા હિટરોથી ભરેલી કોલકત્તા ગુજરાતના બોલરો સામે પત્તાની જેમ વિખેરાઇ ગઇ હતી.
જો આપણે કોલકત્તાની ટીમ પર નજર કરીએ તો તેની પાસે સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, વેંકટેશ ઐય્યર જેવા ઘણા હિટર છે. તેની ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને કોલકત્તાએ તેના પર મોટી રકમ ખર્ચ કરી છે. પરંતુ પ્રદર્શનની દ્રષ્ટિએ આ બધા ખેલાડીઓના બેટ શાંત રહ્યા છે. ચાલો તમને એવા ત્રણ ખેલાડીઓ વિશે જણાવીએ જેમના પર કોલકત્તાએ લગભગ 50 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. પરંતુ તેનું પ્રદર્શન સમગ્ર સીઝનમાં ખરાબ રહ્યું છે.
ગયા સૂઝનમાં રિંકુ સિંહે એક ઓવરમાં 5 છગ્ગા ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. ત્યારથી તેનું કદ વધ્યું છે. પરંતુ અચાનક લોકપ્રિયતા હાંસલ કરનાર રિંકુના ફોર્મમાં પણ અચાનક ઘટાડો થયો. 2024માં રિંકુએ 15 ઇનિંગ્સમાં કુલ 168 રન કર્યા હતા. આ સીઝનમાં પણ તે ટીમ પર બોજ બની રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 8 મેચમાં રિંકુ ફક્ત કુલ 122 રન જ કરી શક્યો છે. આ મેચમાં પણ તે ફક્ત 17 રન કરી શક્યો હતો. કેકેઆરે તેના પર 13 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
આન્દ્રે રસેલ પણ બોજ બની રહ્યો છે
આન્દ્રે રસેલ પણ 'નામ બડે, દર્શન છોટે'ની કહેવતને સાચી સાબિત કરી રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાં રસેલ સતત નિષ્ફળ રહ્યો છે અને તેણે ફક્ત 55 રન કર્યા છે. આ મેચમાં પણ તે ફક્ત 21 રન બનાવી શક્યો. તેણે પંજાબ સામેની મેચમાં 17 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેકેઆરે તેના પર 12 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
હવે વાત કરીએ વેંકટેશ ઐય્યર વિશે
કોલકત્તાએ વેંકટેશ ઐય્યર પર સૌથી મોટો દાવ રમ્યો છે. 23.75 કરોડ રૂપિયાની મોટી રકમમાં તેમની સાથે જોડ્યો હતો. પરંતુ ઐય્યર 8 ઇનિંગ્સમાં ફક્ત 135 રન જ કરી શક્યો છે. આમાં પણ તેણે એક મેચમાં 60 રન બનાવ્યા હતા. એનો અર્થ એ થયો કે તે બીજી દરેક મેચમાં ફ્લોપ રહ્યો છે.
આ મેચ આ રીતે હતી
સોમવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ને 39 રનથી હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે ગિલના 90 અને સાઈ સુદર્શનની શાનદાર અડધી સદીની મદદથી કોલકત્તા સામે 199 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં કોલકત્તાની ટીમ 8 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 158 રન બનાવી શકી હતી.




















