CSK vs SRH: આઈપીએલમાં સતત 4 મેચ હારવા મુદ્દે શું બોલ્યો ચેન્નાઈનો કેપ્ટન રવિન્દ્ર જાડેજા?
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને સન રાઈઝર્સ હૈદરાબાદે (SRH) હાર આપી છે. આ સાથે આઈપીએલના ઈતિહાસમાં બીજીવાર એવું બન્યું છે કે ચેન્નાઈની ટીમ સિઝનની શરુઆતની સતત 4 મેચો હારી હોય.
IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને સન રાઈઝર્સ હૈદરાબાદે (SRH) હાર આપી છે. આ સાથે આઈપીએલના ઈતિહાસમાં બીજીવાર એવું બન્યું છે કે ચેન્નાઈની ટીમ સિઝનની શરુઆતની સતત 4 મેચો હારી હોય. આ વખતે હાર મળ્યા બાદ ચેન્નાઈના કેપ્ટન રવિન્દ્ર જાડેજા ઘણો નિરાશ થયેલ દેખાયો હતો. ચેન્નાઈની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ બેટ્સમેનોએ પોતાના ફ્લોપ શો યથાવત રાખ્યો હતો. ચેન્નાઈની ટીમ 20 ઓવરના અંતે 154 રન બનાવી શકી હતી. જેના જવાબમાં સન રાઈઝર્સ હૈદરાબાદે 2 વિકેટ ગુમાવીને 155 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. ચેન્નાઈના બોલરોનું પ્રદર્શન સારું નહોતું રહ્યુ અને હૈદરાબાદના બેટ્સમેનોએ તાબડતોડ રમત રમીને જીત મેળવી લીધી હતી.
હાર બાદ શું બોલ્યો જાડેજાઃ
મેચ હારી ગયા બાદ રવિંન્દ્ર જાડેજાએ કહ્યું કે, બોલરોએ અમને નિરાશ કર્યા છે. પરંતુ ટીમ 20-25 રન ઓછા બનાવી શકી. અમે છેલ્લે સુધી લડવાની કોશિશ કરી હતી. 155 રનનો ટાર્ગેટ ખરાબ ના કહી શકાય અને અમારા બોલર વિકેટ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કાલે એક દિવસની રજા હોઈ શકે છે. પરંતુ અમે સુધારો કરવા ઈચ્છી રહ્યા છીએ. અમે ક્યાં ખરાબ પ્રદર્શન કરી રહ્યા છીએ તેના વિશે પણ વાત કરીશું. અમે પ્રોફેશનલ છીએ અને અમારે સખત મહેનત, સાથે રહીને કમબેક કરવાની જરુર છે.
સતત ચોથી મેચમાં હારઃ
હાર સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના આઈપીએલના ઈતિહાસમાં બીજી વાર સતત 4 મેચ હારી ગઈ છે. આ પહેલાં વર્ષ 2010ની આઈપીએલ સીઝનમાં ચેન્નાઈ ચાર મેચ હારી ગયું હતું. જો કે ત્યાર બાદ CSKએ સિરિઝ જીતી લીધી હતી. જોવાની વાત એ હશે કે આ સિઝનમાં ચેન્નાઈ મજબૂત કમબેક કરશે કે નહી. સન રાઈઝર્સ હૈદરાબાદને હવે 2 પોઈન્ટ મળી ગયા છે અને પોઈન્ટ ટેબલમાં 8મા નંબર પર પહોંચી ગયું છે. હવે ટીમ પોતાની આગલી મેચમાં ગુજરાત ટાઈટન્સ સાથે મેચ રમશે.