David Warner Fine: ડેવિડ વોર્નર પર સ્લો ઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં સ્લો ઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે
હૈદરાબાદઃ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં સ્લો ઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેચમાં દિલ્હીએ સનરાઇઝર્સને 7 રનથી હરાવ્યું હતું.ઇન્ડિયન પ્રિમિયર લીગએ એક નિવેદનમાં કહ્યું હતું કે સ્લો ઓવર રેટ માટે IPL આચાર સંહિતા હેઠળ વર્તમાન સીઝનમાં ટીમનો આ પહેલો ગુનો છે, તેથી કેપ્ટન ડેવિડ વોર્નરને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
IPL ત્રણ કલાક અને 20 મિનિટમાં મેચો સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે પરંતુ સ્લો ઓવર રેટ એક મુદ્દો બની રહ્યો છે જેમાં મોટાભાગની મેચો ચાર કલાકથી વધુ ચાલે છે.
વિરાટ કોહલી પર 24 લાખનો દંડ
આ પહેલા RCBના કેપ્ટન વિરાટ કોહલી પર પણ 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વિરાટ કોહલી ઉપરાંત તેની ટીમના સભ્યોએ પણ આ દંડ ભરવો પડશે. બાકીના ખેલાડીઓ અને RCBના પ્લેઈંગ 11માં સામેલ ઈમ્પેક્ટ સબસ્ટિટ્યૂટને 6 લાખ રૂપિયા અથવા 25 ટકા મેચ ફી બેમાંથી જે ઓછું હોય તેટલો દંડ ભરવો પડશે. IPLમાં બીજી વખત RCBએ સ્લોઓવર રેટ સંબંધિત ગુનો કર્યો હતો.
વિરાટને અગાઉ પણ દંડ ફટકારવામાં આવ્યો હતો
અગાઉ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી CSK સામેની મેચમાં વિરાટ કોહલી 'આચારસંહિતા'ના ઉલ્લંઘન માટે દોષિત ઠર્યો હતો.
વિરાટને આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.2ના લેવલ 1 માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ અંતર્ગત મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે. ત્યારબાદ વિરાટ કોહલીએ પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. CSK સામે રમાયેલી આ મેચમાં વિરાટ કોહલી નિષ્ફળ રહ્યો હતો. તે માત્ર 6 રન બનાવીને CSKના આકાશ સિંહ દ્વારા બોલ્ડ થયો હતો.
16 એપ્રિલે રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહેલા સૂર્યકુમાર યાદવને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તે પ્રથમ વખત IPLમાં કેપ્ટનશીપ કરી રહ્યો હતો. તેમના સિવાય ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા, રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન અને બેંગલુરુના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને પણ સ્લો ઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાના દંડનો સામનો કરવો પડ્યો છે. સ્લો ઓવર રેટ સંબંધિત આચારસંહિતા હેઠળ, જો કોઈ કેપ્ટન આવું પ્રથમ વખત કરે છે તો 12 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે છે.