IPL 2022ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાવાનું નક્કી, જાણો પ્લેઓફ મેચો માટે કયા બે શહેરો પર ચર્ચા થઈ
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વખતની આઈપીએલ સિઝનની ફાઇનલ મેચ જે 29 મેના રોજ રમાવાની છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાનું લગભગ નક્કી થઈ ગયું છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વખતની આઈપીએલ સિઝનની ફાઇનલ મેચ જે 29 મેના રોજ રમાવાની છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાનું લગભગ નક્કી થઈ ગયું છે. આ સાથે ક્વોલિફાયર-2 મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાનું લગભગ નિશ્ચિત છે. જો કે, કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચનું આયોજન થઈ શકે છે.
મોદી સ્ટેડિયમમાં ફાઈનલઃ
સમગ્ર આઈપીએલની જાણકારી ધરાવતા એક સૂત્રએ કહ્યું છે કે, અમદાવાદમાં ફાઇનલ મેચ અને ક્વોલિફાયર 2નું આયોજન થશે, પરંતુ BCCIએ હજુ સુધી લખનઉ અથવા કોલકાતામાં મેચના આયોજન અંગે હજી સુધી નિર્ણય નથી કર્યો. કેટલાક સભ્યો કોલકાતાની તરફેણમાં છે તો કેટલાક લખનઉમાં મેચના આયોજન કરવાની તરફેણમાં છે. અત્યાર સુધીની સ્થિતિને જોતા લાગે છે કે કોલકાતાને 2 મેચ મળી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. અગાઉ, એવા અહેવાલો હતા કે લખનઉ શહેરમાં નોકઆઉટ મેચોનું આયોજન થઈ શકે છે. પરંતુ બીસીસીઆઈના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે આવો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હોવા છતાં કોલકાતા અને અમદાવાદના નામ પર લગભગ સભ્યોની સહમતિ થઈ ગઈ છે.
લીગ મેચોનું ફ્કત 4 મેદાનો પર આયોજનઃ
આઈપીએલ 2022ની કુલ 70 લીગ મેચોનું આયોજન મુંબઈ અને પુણેમાં ચાર મેદાન પર થયું છે. 20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં, 15 બ્રેબોર્ન સ્ટેડિયમમાં, 20 મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં અને 15 મેચ પુણેના એમસીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાની છે. બીજી તરફ IPLની આ સિઝનમાં પણ કોવિડ-19ની અસર થઈ ચુકી છે. ગઈકાલે શુક્રવારે દિલ્હી કેપિટલ્સના (DC) ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોવિડ-19 પોઝિટિવ હોવાના અહેવાલ મળ્યા હતા. આઈપીએલ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આ માહિતી આપવામાં આવી હતી. હાલમાં દિલ્હી કેપિટલ્સની મેડિકલ ટીમ ફરહાર્ટ પર નજર રાખી રહી છે.