PBKS vs GT: ગુજરાત ટાઈટન્સે છેલ્લા બોલે સિક્સર મારી રોમાંચક જીત મેળવી, શુભમન ગિલ સદી ચુક્યો
પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની આજની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પંજાબની ટીમે પણ તોફાની બેટિંગ કરીને 189 રન કર્યા હતા.
PBKS vs GT, Match Highlights: પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની આજની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પંજાબની ટીમે પણ તોફાની બેટિંગ કરીને 189 રન કર્યા હતા. પંજાબના આ 190 રનમાં લિવિંગસ્ટોને તોફાની બેટિંગ કરતાં 27 બોલમાં 64 રન કર્યા હતા. સાથે જ શિખર ધવને 30 બોલમાં 35 રન અને જીતેશ શર્માએ 11 બોલમાં 23 રન કર્યા હતા. આ મેચમાં પંજાબ કિંગ્સના અનુભવી બેટ્સમેન શિખર ધવને એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. શિખર T20 કારકિર્દીમાં એક હજાર ચોગ્ગા પૂરા કરનાર વિશ્વનો પાંચમો અને પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે.
190 રનના ટાર્ગેટનો પીછો કરીને જીતવાની આશા સાથે બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરુઆત સારી રહી હતી. ઓપનિંગ કરવા ઉતરેલા શુભમન ગિલ અને મેથ્યુ વેડે સારી શરુઆત કરી હતી. જો કે, મેથ્યુ વેડ 6 રન કરીને આઉટ થયો હતો. ત્યાર બાદ આ મેચથી ડેબ્યુ કરી રહેલા સાંઈ સુંદર અને શુભમન ગિલે બાજી સંભાળી લીધી હતી. શુભમન ગિલે પોતાનું શાનદાર પ્રદર્શન કરતાં ચોક્કાનો વરસાદ કર્યો હતો. જો કે શુભમન પોતાની સદી ચુકી ગયો હતો. શુભમને 59 બોલમાં 11 ચોક્કા અને 1 સિક્સરથી 96 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેની સાથે જ સાંઈ સુંદરે પણ 30 બોલમાં 35 રન કર્યા હતા. સાંઈ સુંદર આઉટ થયા બાદ ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ આક્રમક બેટિંગ કરતાં 18 બોલમાં 27 રન કર્યા હતા. જો કે આ દરમિયાન ગુજરાતની જીતવાની આશા ધોવાઈ ગઈ હતી.
પરંતુ ત્યાર બાદ બેટિંગ કરવા આવેલા ડેવિડ મિલર અને રાહુલ તેવટીયા જોરાદર બેટિંગ કરીને છેલ્લા બોલે ગુજરાત ટાઈટન્સે જીત અપાવી હતી. ગુજરાત ટાઈટન્સને છેલ્લા 2 બોલમાં 12 રનની જરુર હતી ત્યારે રાહુલ તેવટીયા 2 સિક્સર ફટકારીને ગુજરાતને જીત અપાવી હતી. આ જીત મળ્યા બાદ ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ અને સપોટર્સ ઉત્સાહમાં આવી ગયા હતા. આ સાથે ગુજરાત ટાઈટન્સે આ સીઝનમાં પોતાની સતત ત્રીજી જીત મેળવી લીધી છે.