IPL 2023: આઈપીએલમાં ગુજરાતી ક્રિકેટરના નામે નોંધાયેલો છે શરમજનક રેકોર્ડ, ધવન પણ લિસ્ટમાં થયો સામેલ
Shikhar Dhawan Record: દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ખાતું પણ ન ખોલી શકનાર શિખર ધવનની એન્ટ્રી ખૂબ જ શરમજનક લિસ્ટમાં થઈ છે.
IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16 માં, બુધવાર પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન માટે ખૂબ જ ખરાબ સાબિત થયો. દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 15 રનથી હરાવ્યું અને પ્લેઓફમાં રમવાની તેમની તકો લગભગ સમાપ્ત થઈ ગઈ. આ સાથે આ મેચમાં ખાતું પણ ન ખોલી શકનાર શિખર ધવનની એન્ટ્રી ખૂબ જ શરમજનક લિસ્ટમાં થઈ છે.
ખૂબ જ મહત્વપૂર્ણ મેચમાં પંજાબ કિંગ્સને સૌથી વધુ નિરાશ તેના કેપ્ટન શિખર ધવને કર્યા. 214 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સને 1.1 ઓવર બાદ જ મોટો ફટકો લાગ્યો હતો. કેપ્ટન શિખર ધવન બીજી ઓવરના પહેલા જ બોલ પર ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. આ ગોલ્ડન ડક સાથે શિખર ધવન આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર બીજો ઓપનર બની ગયો છે.
IPLમાં ઓપનર દ્વારા સૌથી વધુ ડક આઉટ થવાનો રેકોર્ડ પાર્થિવ પટેલના નામે છે. પાર્થિવ પટેલ 11 વખત શૂન્ય પર આઉટ થયો છે. આ પછી આ લિસ્ટમાં ગૌતમ ગંભીર અને અજિંક્ય રહાણેનું નામ આવે છે. આ બંને ખેલાડીઓ 10-10 વખત ડક્સ કરીને પેવેલિયન પરત ફર્યા હતા. હવે આ લિસ્ટમાં ધવનની પણ એન્ટ્રી થઈ ગઈ છે. ધવન પણ ઓપનર તરીકે 10 વખત શૂન્ય પર આઉટ થયો છે.
ધવને પોતાની ભૂલ સ્વીકારી લીધી
મેચ બાદ પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. ધવનનું માનવું છે કે સ્પિનરને છેલ્લી ઓવર ફેંકવા માટે આપી તેણે મોટી ભૂલ કરી છે. ધવનની આ ભૂલને કારણે દિલ્હી કેપિટલ્સ છેલ્લી ઓવરમાં 23 રન બનાવી શકી હતી. ધવને સ્વીકાર્યું કે આ તફાવતના કારણે જ પંજાબ કિંગ્સને હારનો સામનો કરવો પડ્યો હતો.
પંજાબ કિંગ્સની હાર બાદ પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની ગઈ છે. પંજાબ કિંગ્સ હવે રેસમાંથી બહાર છે, જ્યારે CSKની ચિંતા વધી ગઈ છે. જો દિલ્હી CSKને હરાવશે તો મુંબઈ ઈન્ડિયન્સ અને RCBને પ્લેઓફની ટિકિટ મળી શકે છે. 20 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સાથે થશે. હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 13 મેચમાં 15 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે. પરંતુ CSKનું પ્લેઓફ સ્પોટ હજુ સુધી કન્ફર્મ થયું નથી. જો કે, જો CSK દિલ્હી સામે જીતે છે, તો તેની પ્લેઓફ ટિકિટ કન્ફર્મ માનવામાં આવી શકે છે.