IPL 2023: કોણ છે અભિષેક પોરેલ? શું દિલ્હી કેપિટલ્સમાં રિષભ પંતની કરી શકશે ભરપાઈ?
IPL 2023: અભિષેક પોરેલ બંગાળનો યુવા વિકેટકીપર બેટ્સમેન છે. તે સ્થાનિક ક્રિકેટમાં બંગાળનું પ્રતિનિધિત્વ કરે છે. વિકેટકીપિંગ ઉપરાંત તે ડાબોડી બેટ્સમેન છે.
IPL 2023: દિલ્હી કેપિટલ્સે IPL 2023 માટે રિષભ પંતના સ્થાનની જાહેરાત કરી છે. ટીમ મેનેજમેન્ટે પંતની જગ્યાએ બંગાળના યુવા વિકેટ કીપર બેટ્સમેન અભિષેક પોરેલનો સમાવેશ કર્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં દિલ્હીથી રૂરકી જતી વખતે કાર અકસ્માતમાં પંતને ઈજા થઈ હતી. જેના કારણે તે IPL 2023માં રમી શકશે નહીં. હવે દિલ્હી કેપિટલ્સે તેના સ્થાને અભિષેક પોરેલનો સમાવેશ કર્યો છે. ચાલો તમને અભિષેક પોરેલ વિશે વિગતવાર જણાવીએ.
કોણ છે અભિષેક પોરેલ
અભિષેક પોરેલ બંગાળનો યુવા વિકેટકીપર બેટ્સમેન છે. તે સ્થાનિક ક્રિકેટમાં બંગાળનું પ્રતિનિધિત્વ કરે છે. વિકેટકીપિંગ ઉપરાંત તે ડાબોડી બેટ્સમેન છે. તે ગયા વર્ષે ભારતની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય હતો. વર્ષ 2022માં જ તેણે ઘરેલુ ક્રિકેટમાં તમામ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે રણજી ટ્રોફી ડેબ્યૂમાં બરોડા સામે અડધી સદી ફટકારી હતી. જ્યારે તેણે રણજી ટ્રોફીની ફાઇનલમાં પણ અડધી સદી ફટકારી હતી. તે ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી માનવામાં આવે છે. ભૂતકાળમાં, દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે રિભપ પંતના સ્થાને કેટલાક વિકેટકીપરોની ટ્રાયલ લીધી હતી. તેમાં અભિષેક પોરેલ પણ સામેલ હતો. જે બાદ તેને દિલ્હી કેપિટલ્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ઘરેલુ ક્રિકેટમાં કેવો છે અભિષેકનો દેખાવ
અભિષેક પોરેલને ક્રિકેટનો બહુ અનુભવ નથી. તેણે અત્યાર સુધી 16 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જેમાં તેણે 695 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 6 અડધી સદી ફટકારી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 73 રન છે. અભિષેકે 3 લિસ્ટ A મેચોમાં પણ ભાગ લીધો છે. તેને આ મેચોની એક ઇનિંગમાં બેટિંગ કરવાની તક મળી જેમાં તેણે 54 રન બનાવ્યા. આ સિવાય તેણે 3 ટી20 મેચ પણ રમી છે જેમાં તે 22 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ આંકડા દર્શાવે છે કે અભિષેક પોરેલને બિલકુલ અનુભવ નથી. આ પ્રદર્શન પછી, રિષભ પંત જેવો દેખાવ કરે તેવી અપેક્ષા રાખવી હાલ યોગ્ય નથી.
IPLના કેપ્ટન થયા નક્કી
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા હશે, પોતાની પહેલી આઇપીએલ 2022 સિઝનમાં હાર્દિક પંડ્યાએ પોતાની ટીમને ખિતાબ જીતાડ્યો હતો. વળી, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના કેપ્ટન ફાક ડૂ પ્લેસીસ હશે. આઇપીએલ 2022માં રાજસ્થાન રૉયલ્સના કેપ્ટન તરીકે વિકેટકીપર સંજૂ સેમસન જ દેખાશે. લખનઉ સુપર જાયન્ટ્સની કમાન ફરી એકવાર કેએલ રાહુલના હાથમાં જોવા મળશે. વળી, કોલકાતા નાઈટ રાઈડર્સએ નીતીશ રાણાને આઈપીએલ 2023 માટે પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે, કેમ કે અત્યારે રેગ્યૂલર કેપ્ટન શ્રેયસ અય્યર ઇજાગ્રસ્ત છે. આ કારણોસર આઇપીએલ 2023માં નહીં રમી શકે. કોલકત્તા નાઇટ રાઇડર્સે આ સિઝન માટે નીતિશ રાણાને શ્રેયસ અય્યરના બદલે ટીમનો કેપ્ટન બનાવ્યો છે. વળી, પંજાબ કિંગ્સ ટીમની કમાન આ વખતે શિખર ધવનના હાથોમાં સોંપાઇ છે. સનરાઇઝર્સ હૈદરાબાદે એડન મારક્રમને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. તો વળી, દિલ્હી કેપિટલ્સમાં ઋષભ પંતની ગેરહાજરીના કારણે ડેવિડ વૉર્નરને ટીમની કમાન સોંપવામાં આવી છે.