IPL 2025 Points Table: હાર બાદ RCB પાસેથી છીનવાયો નંબર-1નો તાજ, આ બે ટીમોને થયો ફાયદો
IPL 2025 Points Table Update:આ મેચ પછી RCB એ IPL પોઈન્ટ ટેબલમાં નંબર 1નો તાજ ગુમાવી દીધો હતો. જીત છતાં ગુજરાત ટાઇટન્સ ચોથા સ્થાને યથાવત છે.

IPL 2025 Points Table Update: બુધવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 8 વિકેટથી હરાવ્યું હતું. 170 રનનો પીછો કરતા જોસ બટલરે 73 રનની અણનમ ઇનિંગ રમી હતી. ટીમે 17.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. અગાઉ ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ભારે તબાહી મચાવી હતી. 4 ઓવરના સ્પેલમાં માત્ર 19 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ મેચ પછી RCB એ IPL પોઈન્ટ ટેબલમાં નંબર 1નો તાજ ગુમાવી દીધો હતો.
ટોસ હારી પહેલા બેટિંગ કરવા ગયેલી RCBએ બીજી ઓવરમાં વિરાટ કોહલી (7) ના રૂપમાં પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી. તે અરશદ ખાનના હાથે કેચ આઉટ થયો. ત્યારબાદ મોહમ્મદ સિરાજે ત્રીજી અને પાંચમી ઓવરમાં અનુક્રમે દેવદત્ત પડિક્કલ (4) અને ફિલ સોલ્ટ (14) ને આઉટ કર્યા હતા. આ પછી રજત પાટીદાર પણ 12 રન બનાવીને આઉટ થયો હતો. તે ઇશાંત શર્માનો શિકાર બન્યો હતો. લિયામ લિવિંગસ્ટને 40 બોલમાં 54 રન કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. જીતેશ શર્મા (33) અને ટિમ ડેવિડ (32) એ પણ સારું યોગદાન આપ્યું હતું.
લક્ષ્યનો પીછો કરતા ગુજરાતે 32 રનના સ્કોર પર શુભમન ગિલ (14) ના રૂપમાં પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સાઈ સુધરસન (49) એ જોસ બટલર સાથે 75 રનની ભાગીદારી કરીને મેચમાં ટીમને જીત અપાવી હતી. બટલર 39 બોલમાં 73 રન બનાવી અણનમ રહ્યો હતો. આ ઇનિંગમાં તેણે 6 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
RCB એ નંબર-1નો તાજ ગુમાવ્યો
મેચ પહેલા RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતું. હાર બાદ તેણે પોતાનું પ્રથમ સ્થાન ગુમાવી દીધું છે. તે ત્રીજા સ્થાને સરકી ગઈ છે. જીત છતાં ગુજરાત ટાઇટન્સ ચોથા સ્થાને યથાવત છે. આ RCBનો 3 મેચમાં પહેલો પરાજય છે. ટીમનો નેટ રન રેટ +1.149 છે. આ ગુજરાતનો 3 મેચમાં બીજો વિજય હતો, તેનો નેટ રન રેટ +0.807 છે.
RCBની હારથી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સનો ફાયદો થયો છે. પંજાબ 2 મેચમાં 2 જીત સાથે પ્રથમ સ્થાને આવ્યું છે, ટીમનો નેટ રન રેટ +1.485 છે. દિલ્હીએ પણ તેની બંને મેચ જીતી છે, તેનો નેટ રન રેટ +1.320 છે, ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગઈ છે.

