IPL 2025 Playoff Team: 17 મેથી ફરી શરૂ થશે આઇપીએલ 2025, જાણો પ્લેઓફ માટે કઇ ટીમો છે દાવેદાર?
IPL 2025 Playoff Team: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPL 2025ની બાકીની મેચો ફરી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે

IPL 2025 Playoff Team: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL 2025ની બાકીની મેચો ફરી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. નવા કાર્યક્રમ હેઠળ બાકીની મેચો 17 મેથી રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે 8 મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (PBKS vs SC) વચ્ચેની મેચ અધવચ્ચે જ રોકવી પડી હતી. બાકીની મેચો પણ મુલતવી રાખવામાં આવી હતી, ત્યારબાદ નવા શિડ્યૂલની રાહ જોવાઈ રહી હતી. આઈપીએલ એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી. શ્રેયસ ઐય્યરની કેપ્ટનશીપ હેઠળની પંજાબ કિંગ્સ ટીમને BCCIએ મોટો ઝટકો આપ્યો છે. 9 મેના રોજ બીસીસીઆઈ દ્વારા યોજાયેલી બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. સસ્પેન્શનને કારણે 16 IPL મેચ બાકી રહી ગઈ, જેમાં 12 લીગ મેચ અને ચાર પ્લેઓફ મેચનો સમાવેશ થાય છે.
IPLની 18મી સીઝન મુલતવી રાખવામાં આવે તે પહેલાં ધર્મશાળામાં રમાઈ રહેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ અધવચ્ચે રોકવામાં આવી હતી. આ મેચમાં પંજાબ કિંગ્સ પહેલા બેટિંગ કરી રહી હતી અને જ્યારે મેચ અટકાવવામાં આવી ત્યારે તેમનો સ્કોર 10.1 ઓવરમાં 122 રન હતો. બીસીસીઆઈએ મેચો માટે 6 સ્થળો પસંદ કર્યા છે.
17 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મુકાબલો થશે. IPLની 18મી સીઝનમાં કુલ 17 મેચ બાકી છે. આ સમયગાળા દરમિયાન 13 લીગ મેચ રમાશે. બાકીની ચાર મેચ પ્લેઓફ છે. લીગની બધી મેચોના સ્થળની જાહેરાત કરવામાં આવી છે. અને પ્લેઓફ કયા મેદાનમાં રમાશે? તેની જાહેરાત હજુ બાકી છે.
IPL 2025માં બાકીની લીગ મેચો દિલ્હી, લખનઉ, જયપુર, મુંબઈ, અમદાવાદ અને બેંગલુરુમાં રમાશે. 17 મેના રોજ ટુર્નામેન્ટ ફરી શરૂ થશે ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ એકબીજા સામે ટકરાશે. બંને ટીમો બેંગલુરુમાં એકબીજા સામે ટકરાશે.
પોઈન્ટ ટેબલમાં ટોપ 4 માં કોણ સામેલ છે?
જો આપણે IPL પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો આ ટુર્નામેન્ટ હવે પ્લેઓફની ખૂબ નજીક આવી ગઈ છે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 16 પોઈન્ટ સાથે ટોપ 2માં યથાવત છે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ અત્યાર સુધીમાં 11-11 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન બંને ટીમોએ આઠ-આઠ મેચ જીતી છે અને ત્રણ-ત્રણ મેચ હારી છે. ગુજરાત ટાઇટન્સનો નેટ રન રેટ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ કરતા વધુ છે, તેથી ગુજરાત ટાઇટન્સ પ્રથમ સ્થાને છે અને આરસીબી બીજા સ્થાને છે. જો બંને ટીમો બાકીની ત્રણ મેચોમાંથી એક પણ જીતી જાય તો તેમના માટે પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહેવું મુશ્કેલ છે.
બીજી તરફ, પંજાબ કિંગ્સની ટીમે 11માંથી સાત મેચ જીતી છે અને ટીમ ત્રણ મેચ હારી ગઈ છે. પંજાબ કિંગ્સની એક મેચ ડ્રો રહી હતી. પંજાબ કિંગ્સની ટીમ 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. પંજાબ કિંગ્સ બાકીની ત્રણ મેચમાંથી બે જીતીને પ્લેઓફની ટિકિટ મેળવી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સે 12 માંથી 7 મેચ જીતી છે અને 14 પોઈન્ટ મેળવ્યા છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.
આ ટીમો પ્લેઓફની રેસમાં છે
દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમો હજુ પણ પ્લેઓફની રેસમાં છે. પ્લેઓફમાં પ્રવેશવા માટે આ ત્રણેય ટીમોએ તેમની બાકીની બધી મેચ જીતવી જરૂરી છે. જો મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની ટીમો તેમની બાકીની બધી મેચ હારી જાય અને દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો તેમની બધી મેચ જીતી જાય તો આ ટીમોને પ્લેઓફમાં જવાની આશા રહી શકે છે.




















