CSK સામે ધોનીને રોકવા મુંબઈની શું હશે રણનીતિ? સૂર્યકુમાર યાદવે આપ્યો આ જવાબ
પાર્ટ ટાઈમ કેપ્ટને કહ્યું, 'શું આટલા વર્ષોમાં કોઈ તેને કાબૂમાં કરી શક્યું છે?'

Suryakumar Yadav on MS Dhoni: IPL 2025ની ત્રીજી મેચમાં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મુકાબલો થશે. આ રોમાંચક મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. CSKની કમાન રુતુરાજ ગાયકવાડ સંભાળશે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનું સુકાન સૂર્યકુમાર યાદવના હાથમાં રહેશે. મુંબઈના નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા પર ગત સિઝનમાં એક મેચ માટે પ્રતિબંધ હોવાથી તે આ મેચમાં રમી શકશે નહીં.
મેચ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મુંબઈ ઈન્ડિયન્સના પાર્ટ ટાઈમ કેપ્ટન સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું કે તેમની ટીમ CSKના દિગ્ગજ ખેલાડી એમએસ ધોનીને કેવી રીતે નિયંત્રિત કરશે. આ સવાલના જવાબમાં સૂર્યકુમાર યાદવે હસતા હસતા કહ્યું કે શું આટલા વર્ષોમાં કોઈ તેમને કાબૂમાં કરી શક્યું છે? ઉલ્લેખનીય છે કે નવા નિયમો અનુસાર એમએસ ધોની આ સિઝનમાં અનકેપ્ડ પ્લેયર તરીકે રમી રહ્યા છે અને ચેન્નાઈએ તેમને 4 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યા છે.
સૂર્યકુમાર યાદવે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે જો તે સારી પ્રેક્ટિસ કરી રહ્યો છે અને નેટ પર બોલને સારી રીતે ફટકારી રહ્યો છે, તો મેચમાં ઉતરતી વખતે તેનું મન સ્પષ્ટ હોય છે અને તેને ખબર હોય છે કે તેણે શું કરવાનું છે. તેણે કહ્યું કે જ્યારે તેને ખબર પડે છે કે તે સારી સ્થિતિમાં છે અને ટીમ માટે રન બનાવી શકશે ત્યારે તે તેના માટે શ્રેષ્ઠ સમય હોય છે.
સૂર્યકુમાર યાદવ ભારતીય T20 ટીમનો કેપ્ટન પણ છે અને આગામી T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યો છે. તેણે કહ્યું કે તેની નજર હંમેશા શ્રેષ્ઠ પ્રતિભાની શોધમાં રહે છે, ભલે તે કેપ્ટન હોય કે ન હોય. તેણે કહ્યું કે IPLમાં સારું પ્રદર્શન કરનાર અને ભારત માટે રમનાર દરેક ખેલાડી મહત્વપૂર્ણ છે.
સૂર્યકુમાર યાદવે મુંબઈ ઈન્ડિયન્સની સ્કાઉટિંગ ટીમના પણ વખાણ કર્યા અને કહ્યું કે ટીમે હંમેશા ઉત્તમ ખેલાડીઓની પસંદગી કરી છે. આ વખતે પણ ડ્રેસિંગ રૂમમાં ઘણા રોમાંચક ખેલાડીઓ છે અને શિબિર દરમિયાન તેઓએ સારી તૈયારી કરી છે. હવે જોવાનું એ રહેશે કે રવિવારની મેચમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ એમએસ ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે કેવું પ્રદર્શન કરે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
