કેપ્ટન બનતાની સાથે જ ધોનીએ રચ્યો ઈતિહાસ, આ રેકોર્ડ કોઈપણ ખેલાડી માટે તોડવો લગભગ અશક્ય!
KKR સામે ટોસ માટે ઉતરતાની સાથે જ બનાવ્યો રેકોર્ડ, ૪૩ વર્ષની ઉંમરે ફરી સંભાળી કમાન.

ms dhoni oldest captain: મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરતાની સાથે જ IPLમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની આજની મેચમાં ટોસ માટે મેદાનમાં આવતાની સાથે જ ધોની IPLના સૌથી વૃદ્ધ કેપ્ટન બની ગયા છે.
વર્ષ ૨૦૨૩ પછી અને IPL ૨૦૨૪ પહેલા જ્યારે ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની કેપ્ટનશીપ છોડી દીધી હતી, ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે ધોની ફરી ક્યારેય CSKના કેપ્ટન તરીકે જોવા મળશે. પરંતુ, ઋતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત થતાં અને આખી સિઝનમાંથી બહાર થઈ જતાં ધોનીને ફરી એકવાર ટીમની કમાન સંભાળવાની ફરજ પડી છે. આજની મેચમાં જ્યારે ધોની ટોસ માટે મેદાનમાં આવ્યા ત્યારે તેમણે એક એવો રેકોર્ડ બનાવ્યો જે તોડવો કોઈ માટે આસાન નહીં હોય.
૧૧ એપ્રિલના રોજ ૪૩ વર્ષ અને ૨૭૮ દિવસની ઉંમરે ધોની IPLના સૌથી વૃદ્ધ કેપ્ટન બન્યા છે. આ પહેલાં કોઈ પણ ખેલાડી આટલી મોટી ઉંમરે IPLમાં કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો નથી. નોંધનીય છે કે ધોનીએ બે વર્ષ પહેલાં પણ કેપ્ટનશીપ છોડી દીધી હતી અને રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ ટીમના સતત ખરાબ પ્રદર્શનને કારણે જાડેજાએ સિઝનના મધ્યમાં કેપ્ટનશીપ છોડી દેતા ફરીથી ધોનીને કમાન સોંપવામાં આવી હતી.
ધોનીની કપ્તાનીમાં CSKએ વર્ષ ૨૦૨૩માં ચેમ્પિયનશિપ જીતી હતી. જો કે, વર્ષ ૨૦૨૨માં ધોનીના કેપ્ટન બન્યા બાદ પણ ટીમ ટોપ ૪માં સ્થાન મેળવી શકી નહોતી અને દસ ટીમોની ટુર્નામેન્ટમાં દસમા ક્રમે રહી હતી. પરંતુ ૨૦૨૩માં ધોનીએ સમગ્ર સિઝનમાં ટીમનું નેતૃત્વ કર્યું અને ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગુજરાત ટાઇટન્સને હરાવીને ચેમ્પિયન બની હતી.
આ વર્ષની વાત કરીએ તો ધોની માટે આ એક મુશ્કેલ પડકાર છે. ટીમ અત્યાર સુધી રમાયેલી પાંચ મેચમાંથી માત્ર એક જ મેચ જીતી શકી છે. ટીમે પહેલી જ મેચ જીતી લીધી હતી, ત્યારપછી એવું લાગતું હતું કે ટીમ આ વર્ષે સારું પ્રદર્શન કરશે, પરંતુ તે પછી ટીમ પાટા પરથી ઉતરી ગઈ. ટીમ સતત ચાર મેચ હારી છે. હવે અહીંથી પાછા આવવું બહુ મુશ્કેલ છે, પણ અશક્ય નથી. આવી સ્થિતિમાં પણ જો ધોની પોતાની ટીમને જીતાડીને ટોપ 4માં લઈ જાય છે તો આનાથી મોટું કંઈ હોઈ શકે નહીં. આજની મેચમાં એ પણ ખબર પડશે કે ધોની કેવી કેપ્ટનશીપ કરે છે.




















